ગુજરાતના પાટીદારોમાં લવ જેહાદનો મુદ્દો છેડાયો

02 August, 2022 08:28 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલે કહ્યું કે લગ્ન રજિસ્ટ્રેશન વખતે માતા-પિતા પૈકી કોઈ એકની સહી લેવાય તો લવ જેહાદને રોકી શકાય

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના પાટીદારોમાં લવ જેહાદનો મુદ્દો છેડાયો છે. રવિવારે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ બાદ ગઈ કાલે સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલે પણ લવ જેહાદનો મુદ્દો ઉઠાવીને કહ્યું હતું કે ‘સરકારે આને ગંભીરતાથી વિચારવું જોઈએ. લગ્ન રજિસ્ટ્રેશન વખતે માતા અથવા પિતા પૈકી કોઈ પણ એકની સહી લેવાય તો લવ જેહાદને રોકવામાં ઘણો ફરક પડશે.’

જયરામ પટેલે પાટીદાર સહિત દરેક સમાજના પરિપ્રેક્ષ્યમાં કહ્યું હતું કે ‘જે દીકરીઓ રૂમ રાખીને કે અપડાઉન કરીને અભ્યાસ કરે છે તેમને આવા પ્રશ્નો દરેક સમાજની દીકરીઓમાં વધારે બને છે. વાલીઓને અવારનવાર વિનંતી કરું છું અને સૂચના આપું છુ કે તમારી દીકરીઓ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમાજની સંસ્થામાં હૉસ્ટેલમાં રાખીને કૉલેજ કરે ત્યાં સુધી ભણાવો, પછી તે કોઈ પણ સમાજની દીકરી હોય.’

તેઓએ એમ પણ કહ્યું હતું કે ‘સંસ્થાના પ્રતિનિધિઓએ આ મુદ્દે મુખ્ય પ્રધાનને રજૂઆત કરી હતી કે એવો કાયદો બનાવવામાં આવે કે લવ જેહાદમાં સરકાર લગ્ન રજિસ્ટ્રેશન વખતે માતા અથવા પિતા પૈકી કોઈની સહી લેવાય તો આ લવ જેહાદને રોકવામાં ઘણો ફરક પડશે.’

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રવિવારે એક કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલે દાવો કરતાં કહ્યું હતું કે ‘સુરતના ખાલી સરથાણા પોલીસ સ્ટેશનની અંદર પાટીદારોની ૩૦૦ દીકરીઓને અન્ય જેહાદના નામે લઈ ગયા છે. આ સમાજનો બર્નિંગ પ્રશ્ન છે.’  

gujarat gujarat news