જોઈ લો ૨૦૦૦ની નોટ બદલવા માટે અમદાવાદમાં લાગેલી લાઇનને

17 October, 2023 10:55 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

કંઈ કેટલાય લોકો અમદાવાદમાં ઑફ આશ્રમ રોડ પર આવેલી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)ની કચેરી ખાતે બદલાવવા ઊમટ્યા હતા

અમદાવાદમાં આવેલી આરબીઆઇની કચેરીની બહાર ૨,૦૦૦ રૂપિયાની ચલણી નોટ બદલાવવા આવેલા લોકો

૨,૦૦૦ રૂપિયાની ચલણી નોટો બદલવા માટે અમદાવાદમાં ગઈ કાલે સવારથી જ આરબીઆઇની બહાર મોટી લાઇન લાગી હતી અને લોકો ૨,૦૦૦ રૂપિયાની ચલણી નોટો બદલાવવા રઘવાયા બન્યા હતા.

૨,૦૦૦ રૂપિયાની ચલણી નોટ બૅન્કોમાંથી બદલવા માટેની નિશ્ચિત તારીખ જતી રહ્યા બાદ જેમની પાસે ૨,૦૦૦ રૂપિયાની ચલણી નોટ પડી રહી હતી એવા કંઈ કેટલાય લોકો અમદાવાદમાં ઑફ આશ્રમ રોડ પર આવેલી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)ની કચેરી ખાતે બદલાવવા ઊમટ્યા હતા, જેના કારણે આરબીઆઇની અંદર તેમ જ બહારની સાઇડે ચલણી નોટ બદવવા આવેલા લોકોની લાંબી લાઇન લાગી હતી. મહિલાઓ અને પુરુષોની અલગ-અલગ લાઇન કરાવી હતી. મોટા ભાગના લોકો ૨,૦૦૦ના દરની ૧૦-૧૦ ચલણી નોટો લઈ બદલાવવા આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો આરબીઆઇ કચેરીની બહાર ઊમટી પડતાં પોલીસ અને સિક્યૉરિટી જવાનો બંદોબસ્ત માટે આવી પહોંચ્યા હતા અને લાઇન કરાવવા ઉપરાંત વ્યવસ્થા જાળવી હતી. ચલણી નોટો બદલાવવા આવેલી મહિલાઓએ મીડિયાને કહ્યું હતું કે થોડી-થોડી બચત કરીને આ નોટો મૂકી રાખી હતી, જે બદલાવવા આવ્યા છીએ.

indian rupee ahmedabad gujarat gujarat news shailesh nayak