અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીની સાથે ઊંધિયા અને જલેબીની જયાફત ઊડી

15 January, 2020 11:00 AM IST  | 

અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીની સાથે ઊંધિયા અને જલેબીની જયાફત ઊડી

અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીની સાથે ઊંધિયા અને જલેબી માટે લાગી લાઈન

ગઈ કાલે ઉત્તરાયણનો તહેવાર ઉમંગભેર અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઊજવાયો હતો. અમદાવાદમાં પતંગબાજોએ ઉલ્લાસભેર પતંગો ચગાવવાની સાથે-સાથે ઊંધિયા અને જલેબીની જયાફત ઉડાવી હતી.

ખાસ કરીને અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલી પોળોમાં ઉત્તરાયણનો રંગ જામ્યો હતો. હાઇરાઇઝ ફ્લૅટ, બંગલોઝ, સોસાયટી, ચાલીઓ, મહોલ્લાઓમાં પતંગબાજોએ મન મૂકીને પતંગ ઉડાડી હતી. ઉત્તરાયણમાં અમદાવાદમાં પતંગબાજોએ ઊંધિયા–જલેબી ખાવા માટે રીતસરની લાઇનો લગાવી હતી. શહેરમાં ઠેર ઠેર ઊંધિયા–જલેબીના સ્ટૉલ લાગ્યા હતા. નાગરિકો ગરમાગરમ ચટાકેદાર ઊંધિયું અને રસઝરતી મધમીઠી જલેબી ખાવા માટે લાઇનમાં ઊભા રહી ગયા હતા.

ઊંધિયું અને જલેબીની સાથે-સાથે લીલવાની કચોરી તેમ જ વાટી દાળનાં ખમણ અને સાદાં ખમણનો પણ ઉપાડ રહેવા પામ્યો હતો. અમદાવાદમાં જુદા-જુદા વિસ્તાર પ્રમાણે ૨૪૦થી લઈને ૩૦૦ રૂપિયે કિલોનો ભાવ ઊંધિયાનો હતો, જ્યારે તેલમાં બનેલી જલેબીનો ભાવ કિલોએ બસો રૂપિયાની આસપાસ અને ઘીમાં બનેલી જલેબીનો ભાવ કિલોએ ૪૦૦ રૂપિયાની આસપાસનો હતો.

આ પણ વાંચો : ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પતંગ ચગાવી સીએએના સમર્થનમાં

લીલવાની કચોરીનો ભાવ કિલોએ ૨૪૦ રૂપિયાની આસપાસ રહ્યો હતો. તેમ છતાં પણ ભાવની પરવા કર્યા વગર અમદાવાદના સ્વાદના શોખીનોએ ઊંધિયા–જલેબી તેમ જ લીલવાની કચોરી સાથે ખમણની મોજ માણી હતી.

gujarat ahmedabad