અમદાવાદમાં કોરોનાના આતંક વચ્ચે માનવતાની મહેકના કિસ્સા

25 March, 2020 03:53 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં કોરોનાના આતંક વચ્ચે માનવતાની મહેકના કિસ્સા

પોલીસ કર્મચારીઓ અને ફુટપાથવાસીને પાણીની બોટલ આપને સેવા કરી રહેલો અમદાવાદનો યુવાન શેખ મોહંમદ હમજા

કોરોનાનો કહેર વિશ્વભરમાં ફેલાયો છે ત્યારે અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે માનવતાની મહેક પ્રસરી રહી છે.કોરોનાની વિકટ સ્થિતિ વચ્ચે ખડેપગે ફરજ પર હાજર રેહલા પોલીસ કર્મચારીઓને જોઇને અમદાવાદના યુવાન શેખ મોહંમદે તેના એંગેજમેન્ટ માટે એકઠા કરેલા પૈસાનો પોલીસની સેવામાં ઉપયોગ કરવાનો નિર્ણય કરીને ભર તડકે પોલીસ તેમજ ફુટપાથવાસીઓને ઠંડાપાણીની સેવા કરી રહ્યો છે.એટલુ જ નહી પરંતુ અમદાવાદના જુદા જુદા મંડળો તેમજ સેવાભાવી નાગરીકો લોકડાઉનની વચ્ચે ફરજ બજાવી રહેલા પોલીસ, સફાઇ કર્મીઓ તેમજ ફુટપાથવાસીઓને ચા, બિસ્કીટ તેમજ પાણીની સેવા કરી રહ્યાં છે.

ગઇકાલે અમદાવાદના હાર્દસમા લાલદરવાજા વિસ્તારમાં આવેલી સિદી સૈયદની જાળી પાસે જાહેર રસ્તા ઉપર બળબળતા બપોરે લોકડાઉનનો અમલ કરાવવા માટે નાકાબંધી કરીને ઉભેલા પોલીસ કર્મચારીઓને અમદાવાદના યુવાન શેખ મોહંમદ હમજાએ ઠંડા પાણીની બોટલો આપીને તેમની સેવાની પ્રસંશા કરી પોતે પોલીસ માટે કંઇક કાર્ય કરી રહ્યો હોવાનુ જોવા મળ્યું હતું.

અમદાવાદમાં પ્રાઇવેટ કંપનીમાં જોબ કરી રહેલા અને ખાનપુર વિસ્તારમાં રહેતા શેખ મોહંમદે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ અમારા માટે સુરક્ષા કરે છે.તેમના માટે હું આ કામ કરુ છું.પોલીસ જે રીતે અત્યારે દુઃખના સમયમાં ખડેપગે ઉભી રહી છે તે જોઇને મને થયું કે હું તેમના માટે કંઇક કરૂં.મારી પાસે બહુ પૈસા નથી પણ મારા એંગેજમેન્ટ માટે મેં ૧૦ હજાર રૂપિયા એકઠા કર્યા છે તે પૈસા હું આ સેવા કરવામાં વાપરવાનો નિર્ણય કરી મારાથી બનતી સેવા શરૂ કરી છે.હાલમાં હું પોલીસ કર્મચારીઓને ઠંડા પાણીની બોટલ આપવાની સેવા કરૂ છું.આ ઉપરાંત ફુટપાથ પર રહેતા નાગરીકોને પણ પાણીની બોટલ આપુ છું.’

અમદાવાદમાં લોકડાઉન વચ્ચે માનવતા ઉજાગર થઇ રહી છે.અમદાવાદના શાહપુર વિસ્તારમાં હવેલીના રાજા, ગણેશ યુવક મંડળના સભ્યો પોલીસ અને ફુટપાથવાસીઓની સેવા માટે આગળ આવ્યાં છે.મંડળના સભ્યો પોલીસ અને ફુટપાથવાસીઓ માટે ચા, બિસ્કીટ અને પાણીની સેવા કરી રહ્યાં છે. ગણેશ યુવક મંડળના સભ્ય મંદિપ ભાવસારે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘આ માનવ સેવા છે.અમે આજના દિવસે ૧૩ કાર્ટુન બિસ્કીટ, ૩૫ લીટર ચા તેમજ ૧ હજાર પાણીની બોટલ લઇ શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ તેમજ ફુટપાથ પર રહેતા નાગરીકોને આપી રહ્યાં છીએ.’

gujarat ahmedabad coronavirus covid19