ચોંકાવનારો ખુલાસો:90 ટકા કેસમાં બાળકો ગુમ થવા પાછળ પ્રેમ-પ્રકરણ જવાબદાર

02 July, 2019 07:19 PM IST  |  ગાંધીનગર

ચોંકાવનારો ખુલાસો:90 ટકા કેસમાં બાળકો ગુમ થવા પાછળ પ્રેમ-પ્રકરણ જવાબદાર

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ ચૂક્યુ છે. ત્યારે પહેલા જ દિવસે ચોમાસુ સત્રમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્ય સરકારે કેટલાક જવાબ આપ્યા, જેમાં બાળકોના ગુમ થવાના મુદ્દે ગૃહ પ્રધાન પ્રદીપ સિંહ જાડેજાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજ્યમાંથી બાળકો ગુમ થવા અંગે પૂછાયેલા જવાબમાં ગૃહ પ્રધાન પ્રદીપ સિંહ જાડેજાએ કહ્યું કે બાળકો ગુમ થવાના મોટાભાગના કેસમાં પ્રેમ પ્રકરણ જવાબદાર છે.

રાજ્ય સરકારે ગૃહમાં જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં 2,307 બાળકો ગુમ થયા છે, જેમાંથી 1,804 બાળકો મળી આવ્યાં છે. પરંતુ 497 બાળકોનો હજુ સુધી કોઈ પત્તો નથી. જે બાળકો ગુમ થયા છે તેમાંથી મોટા ભાગના બાળકોની ઉંમર 14થી 18 વર્ષની વચ્ચેની છે. શહેર પ્રમાણે આંકડા જોઈએ તો અમદાવાદમાંથી 431 બાળકો ગુમ થયા હતા, જેમાંથી 369 બાળકો મળી આવ્યા છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાંથી 247 બાળકો ગુમ થયા હતા જેમાંથી 176 બાળકો પરત ફર્યા છે. 90 ટકા કેસમાં બાળકો ગુમ થવા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું સરકારે ખુલાસો કર્યો છે.

આ ઉપરાંત રાજ્ય સરકારના આંકડા કહી રહ્યા છે કે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી. સરકારે જાહેર કરેલા આંકડાઓમાં 'બેટી બચાવો બેટી પઢાવો'ના સરકારના નારાના ધજાગરા ઉડતા હોય તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેર એવા રાજકોટમાં જ મહિલાઓ અસલામત હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે. વર્ષ 2017 દરમિયાન રાજકોટમાં બળાત્કારના 74 અને છેડતીના 68 બનાવો નોંધાયા છે. જ્યારે વર્ષ 2018માં છેડતીના 39 અને બળાત્કારના 64 કેસ નોંધાયા છે.

રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને પાટનગર એવા ગાંધીનગરમાં બળાત્કારના કેસમાં વધ્યા છે. વર્ષ 2017-18માં અમદાવાદમાં 131 કેસ નોંધાયો હતા, જેની સામે વર્ષ 2018-19માં 180 કેસ નોંધાયા હતા. ગાંધીનગરમાં વર્ષ 2017-18માં બળાત્કારના 12 કેસ નોંધાયા છે.

gujarat news