સ્કૂલો ન ખૂલે ત્યાં સુધી ફી માટે દબાણ કરી શકાય નહીં : ગુજરાત હાઈ કોર્ટ

23 July, 2020 11:08 AM IST  |  Gandhinagar | Agencies

સ્કૂલો ન ખૂલે ત્યાં સુધી ફી માટે દબાણ કરી શકાય નહીં : ગુજરાત હાઈ કોર્ટ

ગુજરાત હાઈ કોર્ટ

ફી મામલે વાલીઓને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈ કોર્ટે સ્કૂલ ફી મામલે વાલીઓને મોટી રાહત આપી છે. સ્કૂલો નહીં ખૂલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કૂલ ફીની માગણી નહીં કરી શકે તેવું હાઈ કોર્ટે જણાવ્યું છે. કોરોનાના સંકટ વચ્ચે સ્કૂલ સંચાલકો બેફામ ફી ઉઘરાવતા સામે હાઈ કોર્ટે ફટકાર લગાવી છે. જ્યાં સુધી શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી માટે શાળાઓ વાલીઓને દબાણ નહીં કરી શકે. સ્કૂલ તરફથી ફી ભરવા પર દબાણ ન કરે તો ડીઈઓ પગલાં લેવાના રહેશે. કોરોનાના કપરા કાળમાં વિદ્યાર્થીઓની ફી ભરવા સ્કૂલો દ્વારા દબાણ થતાં હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ હતી.

કોરોના મહામારીમાં શાળાઓ દ્વારા અપાતાં ઑનલાઈન શિક્ષણ અને સ્વનિર્ભર શાળાઓ દ્વારા વસૂલવામાં આવતી ફી મામલે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. વાલીઓને રાજ્ય સરકાર તરફથી ફી મામલે મોટી રાહત અપાઈ છે. શિક્ષણ વિભાગે સૂચના આપી કે હાલ શાળાઓ બંધ હોઈ શાળાઓ દ્વારા ઇત્તર પ્રવૃત્તિઓ માટે નિયત કરાયેલી ફી શાળાઓ નિયમિત શરૂ ન થાય ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી શકાશે નહીં. કોઈ વાલીએ ઇત્તર પ્રવૃત્તિની ફી ભરી દીધી હોય તો શાળા નિયમિત શરૂ થાય એટલે પરત લેવાની થતી ફીની રકમ શાળાએ વાલીને સરભર કરીને આપવાની રહેશે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે જે સેવાઓ શાળા આપતી નથી તેની ફી વસૂલી શકાશે નહીં. કોરોનાની કપરી પરિસ્થિતિમાં વાલીઓ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓએ તેમને મદદ કરવી જોઈએ.

gujarat gandhinagar ahmedabad