કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં શું ખાશે કે શું પીશે એ સરકાર નક્કી ન કરી શકે

24 August, 2021 09:51 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં દારૂબંધીને પડકારતી અરજીઓ પર હાઈ કોર્ટમાં થોડા દિવસમાં સુનાવણી થશે

પ્રતીકાત્મક તસવીર

દારૂબંધીના મુદ્દે અરજદારોએ હાઈ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે કે શું પીશે એની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નથી. અરજદાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે બહારના રાજ્યમાંથી દારૂ પીને ગુજરાતમાં આવવા પર પણ સરકારે રોક લગાવી છે કે જે યોગ્ય નથી. જે રાજ્યમાં દારૂ પીવાની છૂટ છે ત્યાંથી દારૂ પીને ગુજરાત રાજ્યમાં આવનારા લોકો સામે પણ કાર્યવાહી કરાય છે એ વાજબી નથી. બીજા રાજ્યમાંથી દારૂ પીને ગાડીમાં પેસેન્જર સીટ પર બેસીને રાજ્યમાં આવતા લોકો સામે કાર્યવાહી કરવી યોગ્ય નથી.

ગુજરાતમાં દારૂબંધીને પડકારતી વિવિધ અરજીઓ મુદ્દે ગુજરાત હાઈ કોર્ટે મહત્ત્વનો હુકમ કર્યો છે. ઍડ્વોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાને હાઈ કોર્ટે ફગાવી દીધો હતો. રાઇટ ટુ પ્રાઇવસીના આધાર પર દારૂબંધીને પડકારતી અરજીઓ હાઈ કોર્ટમાં ટકી શકે. અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે એવી ઍડ્વોકેટ જનરલની રજૂઆત હાઈ કોર્ટે નકારી છે. દારૂબંધીને પડકારતી અરજીઓ પર હાઈ કોર્ટમાં સુનાવણી થશે. અરજદારે રજૂઆત કરી કે ડ્રાઇવરે દારૂ પીધો હોય તો સરકાર કાર્યવાહી કરે, પરંતુ આ પ્રકારની રોક વાજબી નથી. પહેલાંની સુનાવણી વખતે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસના વડપણ હેઠળની બેંચે પૂછ્યું હતું કે દારૂ પીધા પછી વ્યક્તિને તેની અસર કેટલો સમય રહેતી હોય છે? વ્યક્તિ કેટલો સમય નશામાં રહેશે એ સરકારે ક્યાંય જાહેર કર્યું છે ખરું? દારૂબંધી લાગુ કરવા પાછળનું કારણ શું એ કાયદાના વ્યાપ કે હેતુમાં ક્યાંય લખેલું છે ખરું?

ઍડ્વોકેટ જનરલે કહ્યું હતું કે જાહેર આરોગ્યની ચિંતા કરીને દારૂબંધી લાગુ કરવાનો હેતુ હતો. દારૂબંધીના કાયદાને પડકારતી અરજીની સુનાવણીમાં રજૂઆત કરાઈ હતી કે રાજ્યમાં ૬.૭૫ કરોડની વસ્તીમાં માત્ર ૨૧,૦૦૦ લોકોને જ હેલ્થ પરમિટ આપવામાં આવી છે. વિઝિટર અને ટૂરિસ્ટ પરમિટ જેવી ટેમ્પરરી પરમિટ લઈને પણ રાજ્યમાં દર વર્ષે માત્ર ૬૬,૦૦૦ લોકો પાસે જ પરમિટ ઉપલબ્ધ હોય છે.

gujarat gujarat news gujarat high court