ગીર સોમનાથ અને અમરેલીમાં ધોધમાર વરસાદ: જસાધારમાં 1 કલાકમાં 5 ઇંચ

16 June, 2020 09:18 AM IST  |  Gandhinagar | Agencies

ગીર સોમનાથ અને અમરેલીમાં ધોધમાર વરસાદ: જસાધારમાં 1 કલાકમાં 5 ઇંચ

પ્રતીકાત્મક તસવીર

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન હોય તેમ છેલ્લા ૧૦ દિવસથી રોજ મોટાભાગના વિસ્તારોમાં વરસી રહ્યા છે ત્યારે આજે સોમવારે બપોર બાદ ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીરગઢડામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. શાણાવાકિયા સહિતના ગીરકાંઠાનાં ગામોમાં સારો વરસાદ હોવાના અહેવાલ મળી રહ્યા છે તેમ જ કોડીનાર અને ગ્રામ્ય પંથકમાં ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉનામાં પણ પવન સાથે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. રાણપુરના નાગનેસ ગામે ભાદર નદીમાં પૂર આવ્યું છે. ઉનાના પડાપાદર ગામની સીમમાં વીજળી પડતાં રતીભાઈ દેવાતભાઈની વાડીમાં બાંધેલા પાંચ વર્ષના પાડાનું મોત થયું છે તેમ જ વ્યાજપુર ગામે વીજળી પડતાં ગાય-ભેંસ સહિત પાંચ પશુઓનાં મોત નીપજ્યાં છે. ગીર જંગલમાં જસાધારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હોય તેમ અનરાધાર વરસાદ વરસ્યો હતો અને એક કલાકમાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયાનું જાણવા મળ્યું છે. હાલ ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે. ઉના અને ગીરગઢડામાં વીજળીએ કેર મચાવ્યો હતો. ઇટવાયા ગામે વીજળી પડતાં બે મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હૉસ્પિટલ ખસેડાઈ હતી. ભારે વરસાદથી નગડિયા શાહીમાં નદીમાં ઘોડાપૂર આવતા ગામ સંપર્કવિહોણું બન્યું છે.

અમરેલીના વડિયા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વડિયા, ધૂંઢિયા, પીપળિયા, મોરવાડા, હનુમાન ખીજડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમી અને બફારા બાદ પવન સાથે વરસાદ વરસ્યો હતો. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. અમરેલી પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ઊના અને દીવ જિલ્લાને પીયતનું પાણી પૂરું પાડતા રાવલ ડૅમમાં પાણીની આવક શરૂ થઈ છે. વીરપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી વીરપુરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે.

gujarat gandhinagar Gujarat Rains ahmedabad