પાટણમાં જળબંબાકાર, બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

29 September, 2019 07:54 AM IST  |  પાટણ

પાટણમાં જળબંબાકાર, બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

પ્રતિકાત્મક તસવીર

આ વખતે રાજ્યમાં ભાદરવો ભરપૂર રહ્યો છે અને હજી આગામી ચાર દિવસોમાં પણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે શનિવારે સવારથી ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શનિવારે સવારે માત્ર ૬થી ૮ કલાકમાં પાટણમાં ૧૧૨ મિમી વરસાદ એટલે ૪.૪૮ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે દ્વારકા, સરસ્વતી અને માંગરોળમાં ૧ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. મહત્ત્વનું છે કે આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

પાટણ જિલ્લામાં આજે સવારથી જ સર્વત્ર વરસાદ જામ્યો છે. પાટણ, ચાણસ્મા, હારીજ, સરસ્વતી, સમી તેમ જ રાધનપુર તાલુકાઓમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. શનિવારે સવારે ૬થી ૮ કલાકમાં બનાસકાંઠાના દાંતામાં ૨૩ મિમી, વડાલીમાં ૨૨ મિમી, ખેરાલુમાં ૧૫ મિમી, સિદ્ધપુરમાં ૧૩ મિમી, ખેડબ્રહ્મામાં ૧૧ મિમી અને મહેસાણામાં ૧૦ મિમી વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો ભરૂચના હાંસોટમાં ૭ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે જામનગરના જોડિયામાં ૫.૩ ઇંચ, અંકલેશ્વરમાં ૪.૪ ઇંચ, ભરૂચમાં ૪.૨૪ ઇંચ અને સુરતના ઓલપાડમાં ૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

gujarat Gujarat Rains