25 May, 2025 08:49 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે શિક્ષણ રાજ્યપ્રધાન પ્રફુલ પાનશેરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી હીરાઉદ્યોગ અને રત્નકલાકારો મંદીના વમળમાં ફસાયેલા છે ત્યારે ગુજરાત સરકારે ગઈ કાલે અસરગ્રસ્ત રત્નકલાકારો અને હીરાઉદ્યોગના સૂક્ષ્મ એકમોને રાહત આપવા ખાસ પૅકેજ જાહેર કર્યું હતું જેમાં ઊડીને આંખે વળગે એવી બાબત એ હતી કે અસરગ્રસ્ત રત્નકલાકારોનાં બાળકોનો અભ્યાસ અટકે નહીં એ માટે બાળકોની સ્કૂલ-ફી ચોક્કસ નિયમો સાથે સરકાર ભરશે.
ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં આર્થિક પૅકેજની જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘આ સહાય-પૅકેજ ગુજરાતના હીરાઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગની સ્થિરતા જાળવવા માટે મહત્ત્વનું પગલું છે. અસરગ્રસ્ત રત્નકલાકારોનાં બાળકોને અભ્યાસમાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને બાળકો શિક્ષણથી વંચિત ન રહે એ માટે ખાસ સ્કૂલ-ફી સહાય આપવાનો નિર્ણય લેવાયો છે જેમાં બાળકોની સ્કૂલની ફીના ૧૦૦ ટકા લેખે, બાળકદીઠ મહત્તમ ૧૩,૫૦૦ રૂપિયાની મર્યાદામાં એક વર્ષ માટે ફીની ચુકવણી કરવામાં આવશે.’
સહાય-પૅકેજમાં બીજી કઈ-કઈ જાહેરાત છે?
૨૦૨૪ની ૩૧ માર્ચ બાદ રોજગારી ગુમાવનાર રત્નકલાકારને સહાય મળશે.
રત્નકલાકારની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઈએ, ઓછાંમાં ઓછાં ત્રણ વર્ષ સુધી હીરાઉદ્યોગના કારખાનામાં કામગીરી કરેલી હોવી જોઈએ તેમ જ હાલમાં હીરાઉદ્યોગમાં રોજગારીથી વંચિત હશે તેને સહાય મળશે.
બે મહિનાની અંદર આધાર પુરાવા સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે.
હીરાઉદ્યોગના એકમોને ટર્મ લોનની મહત્તમ પાંચ લાખ રૂપિયાની મૂડી પર નવ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજસહાય આપવામાં આવશે અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ એક વર્ષ માટે મુક્તિ આપવામાં આવશે.
પ્લાન્ટ અને મશીનરીમાં ૨.૫ કરોડ રૂપિયા સુધીનું મૂડીરોકાણ ધરાવતા સૂક્ષ્મ એકમો ૨૦૨૨-’૨૩, ૨૦૨૩-’૨૪ અને ૨૦૨૪-’૨૫ દરમ્યાન હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા હશે તેમને સહાય મળશે. આ ઉપરાંત ૨૦૨૩-’૨૪ની સરખામણીએ વીજવપરાશમાં પચીસ ટકા અથવા એથી વધુ ઘટાડો હોય અને જે સૂક્ષ્મ એકમોએ ૨૦૨૫ની ૩૧ માર્ચ પહેલાં ઉદ્યમ રજિસ્ટ્રેશન મેળવેલું હશે એને સહાય મળશે.
સહાય માટે આવેલી અરજીઓની મંજૂરી માટે સમિતિની રચના થશે જેમાં ડાયમન્ડ અસોસિએશનના પ્રતિનિધિ સહિત ઉચ્ચ અધિકારીઓ સામેલ હશે.