ગાંધીનગરઃ અલ્પેશ ઠાકોર ભાજપમાં! નીતિન પટેલ સાથેની મુલાકાત બાદ ચર્ચા

27 May, 2019 04:09 PM IST  |  ગાંધીનગર

ગાંધીનગરઃ અલ્પેશ ઠાકોર ભાજપમાં! નીતિન પટેલ સાથેની મુલાકાત બાદ ચર્ચા

અલ્પેશ જોડાશે ભાજપમાં!

લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરિણામો આવી ગયા છે. ગુજરાતમાં ભાજપે ફરીથી તમામ બેઠકો મેળવી છે. અને હવે ફરી ગુજરાતની રાજનીતિમાં હલચલ શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી. દોઢ કલાક સુધી આ મુલાકાત ચાલી. જેમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ જોડાયા.

અલ્પેશ જોડાશે ભાજપમાં!
અલ્પેશ ઠાકોરની નાયબ મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ ફરી એક વાર અલ્પેશ ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ થઈ છે. રવિવારે જ વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં હતા. જેના બીજા જ દિવસે અલ્પેશની આ મુલાકાત થઈ છે.

અલ્પેશે આપ્યું હતું રાજીનામું
લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસે અલ્પેશને પ્રભારી સહિતની મહત્વની જવાબદારી સોંપી હતી. તેમ છતા અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. કોંગ્રેસે આ બાદ તેના પર કાર્યાવાહી કરવા માટે વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખ્યો હતો. કોંગ્રેસે અલ્પેશનું ધારાસભ્યપદ રદ કરવાની પણ અરજી કરી હતી.

શું થયું હતું?
OBC એકતા મંચ અને ઠાકોર સેનાના સંસ્થાપકના રૂપમાં અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણી વખતે નશામુક્તિને લઈને જોરદાર અભિયાન ચલાવ્યું હતું, બાદમાં તેઓ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. છેલ્લા એક વર્ષથી અલ્પેશને કોંગ્રેસના નેતાઓ સાથે નહોતું બની રહ્યું અને તેના કારણે લોકસભા ચૂંટણી પહેલા અલ્પેશે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોરના ઘરે વાસ્તુમાં ભાજપના નેતાઓએ આપી હાજરી!

થોડા સમય પહેલા અલ્પેશ ઠાકોરના ઘરમાં વાસ્તુપૂજનમાં ભાજપના નેતાઓએ હાજરી આપી હતી. જે બાદ અલ્પેશની ભાજપમાં જોડાવાની વાતને વેગ મળ્યો હતો. અને હવે નાયબ મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ આ અટકળોને ફરી વેગ મળ્યો છે.

gujarat gandhinagar Alpesh Thakor Nitin Patel