17 June, 2025 10:30 AM IST | Bhavnagar | Gujarati Mid-day Correspondent
તલગાજરડામાંથી સ્ટુડન્ટ્સનું સહીસલામત રીતે રેસ્ક્યુ કરાયું હતું.
ગુજરાતમાં ગઈ કાલે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, એમાં પણ ભાવનગર અને અમરેલી જિલ્લામાં મેઘો મુશળધાર વરસ્યો હતો. ભાવનગર જિલ્લાના તલગાજરડામાં કેડસમાં પાણીમાં ફસાયેલા ૩૮ સ્ટુડન્ટ્સનું દિલધડક રેસ્ક્યુ કરાયું હતું, જ્યારે અમરેલી જિલ્લાના વિક્ટર ગામ પાસે પાણી ભરાતાં એમાં ફસાઈ ગયેલી ૨૪ વ્યક્તિઓને વહીવટી તંત્ર દ્વારા સહીસલામત બહાર કાઢવામાં આવી હતી. ગઈ કાલે રાતે આઠ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૯૫ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેના કારણે અનેક નાની-મોટી નદીઓમાં પૂર આવ્યાં હતાં. ભાવનગર જિલ્લાના પાલિતાણામાં સાડાઅગિયાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે જેસરમાં ૧૦.૪૭, સિહોરમાં ૧૦.૦૮ અને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ૯.૦૯ ઇંચ વરસાદ પડ્યો હતો.
બાળકોને બચાવી લેવા લોકો દોડ્યા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામ નજીક રાતોલ–તલગાજરડા રોડ પરથી જતા મૉડલ હાઈ સ્કૂલના ૩૮ જેટલા વિદ્યાર્થીઓ રૂપાવ નદીમાં આવેલાં પૂરના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણી આવતાં અને એનો પ્રવાહ તેજ હોવાથી સ્ટુડન્ટ્સ ફસાઈ ગયા હતા અને નદીની બાજુમાં આવેલા એક મકાનમાં આશ્રય લીધો હતો. આ ઘટનાની જાણ થતાં મહુવા ફાયર ટીમ, પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ તેમ જ ગામ લોકો બાળકોને બચાવી લેવા માટે ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ-કામગીરી હાથ ધરી હતી. પાણીનો પ્રવાહ થોડો ધીમો થતાં માનવસાંકળ રચીને તેમ જ દોરડા બાંધીને બાળકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં.
વિક્ટર ગામ પાસે પાણીમાં ફસાઈ ગયેલી ૨૪ વ્યક્તિઓનું ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
૨૪ વ્યક્તિઓનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિક્ટર ગામ પાસે પીપાવાવ ધામમાં પાણીના સંપની કામગીરી ચાલુ હતી એ સમયે ભારે વરસાદના કારણે પાણી ભરાતાં એમાં ફસાઈ ગયેલી ૨૪ વ્યક્તિઓનું ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાવરકુંડલા પંથકમાં ભારે વરસાદના પગલે ફિફાદ ગામે ખાનગી બસમાં પાણી ભરાઈ ગયાં હતાં અને એમાં બેસેલા ૬ મુસાફરો પાણીમાં ફસાયા હતા. આ ઘટનાની જાણ થતાં અમરેલી જિલ્લા વહીવટી તંત્રએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરીને બચાવી લીધા હતા. આ છ પૈકી એક મુસાફર ગભરાટના કારણે ઝાડ પર ચડી ગયો હતો તેને પણ બચાવી લીધો છે. બીજી તરફ ક્ષેત્રુંજી નદીના કાંઠે લીલિયા તાલુકાના બવાડી ગામે ખેતરમાં છ નાગરિકો ફસાયા હતા તેમને પણ સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા.