ચણિયા-ચોળી બનાવતા ગુજરાતના પરિવારોએ આફતને ફેરવી અવસરમાં

06 October, 2021 11:49 AM IST  |  Bhuj | Utsav Vaidya

લૉકડાઉન ફળ્યું : રાજ્યભરમાં સનેડા પ્રકારની ચણિયા-ચોળી સૌથી વધુ લોકપ્રિય

કચ્છના ભુજમાં કૉલેજ રોડ પર મંડાયેલી સંખ્યાબંધ હાટડી, વેપારી માફાભાઈ પરમારને લૉકડાઉન ફળ્યું.

ગુજરાતી લોકો આફતને અવસરમાં ફેરવી દેનારા છે તેની પ્રતીતિ કરાવતા એક ઘટનાક્રમમાં કોરોના અને તેને લઈને લદાયેલા લૉકડાઉનને પગલે તદ્દન બેકાર થઈ ગયેલા અમદાવાદ નજીકના ધંધુકા-ધોળકા તેમ જ જામનગરના હસ્તકળાના ચણિયા-ચોળી બનાવતા પરિવારોએ સતત બે વર્ષ દરમ્યાન ઘરમાં રહીને કલાત્મક ચણિયા-ચોળીનું અધધ ઉત્પાદન કર્યું છે.
આ વર્ષે ગુજરાતમાં શેરી-ગરબાને મંજૂરી મળી જતાં રાજ્યના ખૂણેખૂણાની શેરીઓ ગરબીના મંડપથી ધમધમી ઊઠી છે ત્યારે આ ચણિયા-ચોળીના વેચાણમાં નવરાત્રી ટાણે જબરદસ્ત વધારો થવા પામ્યો છે.
છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી જામનગર, અમદાવાદ અને ધોળકા-ધંધુકાના આવા વેપારીઓ ભુજ ઉપરાંત ગાંધીધામ, મોરબી અને રાજકોટ જેવાં શહેરોમાં ચણિયા-ચોળીની રોડસાઇડ હાટડી માંડે છે. આ વખતે પણ ભુજના કૉલેજ રોડ પર આવા પરિવારોએ રોડસાઈડ હાટડી શરૂ કરી છે.
આવા પરિવારના એક વેપારી માફાભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે વીતેલાં બે વર્ષમાં લૉકડાઉન જેવા સંજોગોમાં ઘરે રહીને પરિવારના તમામ સભ્યોની મદદથી અમે મોટી માત્રામાં ચણિયા-ચોળી તૈયાર કર્યાં છે. વળી ગ્રાહકો માટે સારી બાબત એ છે કે આ ચણિયા-ચોળી અમે અડધા ભાવમાં વેચી રહ્યા છીએ. આ ચણિયા-ચોળીમાં કચ્છી વર્ક, મારવાડી, જયપુરી, બારમેરી વર્ક પ્રકારની ચણિયા-ચોળીઓ બનાવી છે. આ ઉપરાંત કાઠિયાવાડી શૈલીની ચણિયા-ચોળીઓ પણ તૈયાર કરાઈ છે.
આયર રાસ અને મેર રાસમાં પહેરાતાં કેડિયાં, ખૂબ લોકપ્રિય થઈ ચૂકેલી સનેડો ચણિયા-ચોળી, મયૂરી ચણિયા-ચોળી, કોટી અને વિવિધ પ્રકારના ઝભ્ભા પણ તૈયાર કર્યાં છે. આ વખતે તેનું ખૂબ ઝડપભેર વેચાણ થઈ રહ્યું છે. 
સર્વ શક્તિમાન ઈશ્વરે આફતને અવસરમાં ફેરવવાની જાણે અમને શક્તિ પ્રદાન કરી છે તેવું માફાભાઈ પરમારે ઉમેર્યું હતું. 
દરમ્યાન ભુજ સહિત દરેક સ્થળોએ આ રોડસાઇડ ચણિયા-ચોળીનું વ્યાપક વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. 

gujarat gujarat news kutch bhuj navratri