આંતરિક અસંતોષને આરપાર બીજેપી

09 December, 2022 10:27 AM IST  |  Ahmedabad | Dilip Gohil

ગુજરાતના આ ચૂંટણી-પરિમાણનું એક સૌથી મોટું પાસું એ છે કે હવે ગુજરાતમાં વિપક્ષ બદલાયો છે, વિપક્ષ માટે નાલેશી ગણાય એવો વિક્રમ આ વિજયથી થયો

પ્રતીકાત્મક તસવીર

ભારતના રાજકારણમાં જંગી બહુમતી સાથે વિજય મળ્યાના કેટલાક દાખલા છે. ઇન્દિરા ગાંધીની હત્યા પછી કૉન્ગ્રેસને ૪૦૪ બેઠક મળી હતી, પરંતુ સામાન્ય રીતે બે તૃતીયાંશ બહુમતી મળે એ વાત પણ ભારતના રાજકારણમાં મોટી ગણાય છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) મજબૂત છે એ વાત જૂની થઈ ગઈ, પરંતુ આ વખતે એટલે કે ૨૦૨૨ની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે પણ બે તૃતીયાંશ નહીં, પણ ત્રિચતુર્થાંશ બેઠક સાથે જીત મળી એ ઐતિહાસિક છે. બીજેપીએ માત્ર ઐતિહાસિક અને જંગી જીત મેળવી એવું નથી, પરંતુ એકથી વધુ વિક્રમો થયા છે અને વિપક્ષ માટે નાલેશી ગણાય એવો વિક્રમ પણ આ વિજયથી થયો છે. ૧૯૯૦માં ત્રિપાંખિયો જંગ હતો અને એ વખતે કૉન્ગ્રેસને સૌથી ઓછી ૩૩ બેઠક મળી હતી. એ વખતે કૉન્ગ્રેસનો વોટશૅર એટલે કે થયેલા મતદાનમાંથી કુલ મતો મળ્યા એ પણ ૩૦ ટકાથી થોડા વધારે હતા. આ વખતે કૉન્ગ્રેસને ૨૭ ટકા મત મળ્યા, ગુજરાતમાં આજ સુધીના સૌથી ઓછા. એની સામે નવા આવેલા પક્ષને ૧૨ ટકાથી વધારે મત મળ્યા છે. અગાઉ જ્યારે પણ ત્રીજો મોરચો ગુજરાતમાં આવ્યો ત્યારે ૪થી ૧૨ ટકાનો વોટશૅર જ એ લેતો રહ્યો છે. એનું જાણે પુનરાવર્તન થયું છે. આપને બે આંકડામાં બેઠક મળશે એવું એક તબક્કે લાગ્યું હતું, પરંતુ એના મહત્ત્વના બે નેતાઓ પણ હારી ગયા. જામખંભાળિયાથી ઈસુદાન ગઢવી આખરે હાર્યા, જેમને આમ આદમી પાર્ટીએ મુખ્ય પ્રધાનના ચહેરા તરીકે પ્રમોટ કર્યા હતા. આપના સંગઠનનું સુકાન સંભાળનારા ગોપાલ ઇટાલિયા અને તેમની સાથે પાટીદાર અનામત આંદોલનના નેતાઓ અલ્પેશ અને ધાર્મિક જોડાયા ત્યારે સુરતમાં સારું પરિણામ લાવવાની આશા હતી એ પણ ફળીભૂત થઈ નથી. સૌથી ધ્યાન ખેંચનારી બાબત એ છે કે કેટલાક અનઅપેક્ષિત અપક્ષો જીતી ગયા. વાઘોડિયામાં બીજેપીમાંથી બળવો કરનારા શ્રીવાસ્તવ ધોવાઈ ગયા, પણ ગયા વખતે તેમની સામે મોટી ચૅલેન્જ ઊભી કરનારા ધર્મેન્દ્રસિંહ આ વખતે આગળ નીકળી ગયા. ગુજરાતના આ ચૂંટણી-પરિણામનું એક સૌથી મોટું પાસું એ છે કે હવે ગુજરાતમાં વિપક્ષ બદલાઈ ગયો છે. ૨૭ વર્ષ પછી પણ શાસકપક્ષ ન બદલાય એ પણ ભારતીય રાજકારણના ઇતિહાસમાં નોંધાશે. આનાથી વધારે સમય હવે માત્ર પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષે શાસન કર્યું એ રેકૉર્ડ પણ સમય આવ્યે તૂટશે, પરંતુ પશ્ચિમ બંગાળમાં લાંબા સમય સુધી વિપક્ષ તરીકે કૉન્ગ્રેસ રહી શકી હતી. ગુજરાતમાં હવે મુખ્ય વિપક્ષ આમ આદમી પાર્ટી બની રહેશે. ભલે એના ધારાસભ્યોની સંખ્યા ઓછી હોય, પરંતુ જે પણ મુદ્દા રાજ્યમાં ઊભા થશે એને ગજાવવામાં તેઓ અગ્રસ્થાને હશે એમાં શંકા લાગતી નથી, કેમ કે એક રીતે નીરસ લાગતી ગુજરાતની ચૂંટણીમાં થોડીઘણી પણ હલચલ મચાવી હોય તો એ આપે હતી. આપના આગમનને કારણે ગુજરાતનું ગણિત સમજવું મુશ્કેલ બની ગયું હતું, જે હવે પરિણામો પછી જ સ્પષ્ટ થયું છે. બીજું બીજેપી અને એનું સંગઠન, એનું નેતૃત્વ એટલે કે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને હવે એની સાથે સી. આર. પાટીલનું નામ પણ લેવાશે, તે ક્યારેય જંપ લેતા નથી એ સાબિત થયું છે. મજબૂત હોવા છતાં નિષ્ક્રિયતા ન પાલવે એ મંત્રને કારણે કોઈ કસર છોડવામાં આવી નહીં. આપની હાજરી ઘણા સમયથી હતી એટલે એની સામેની સ્ટ્રૅટેજી માટે સંગઠનને સમય મળ્યો હતો, પરંતુ ટિકિટોની વહેંચણી પછી આંતરિક અસંતોષ ઊભો થયો હતો એ કેવી રીતે મૅનેજ થશે એ સમજાતું નહોતું. એક તબક્કે; ખાસ કરીને પાંચ ટકા જેટલું ઓછું મતદાન થયું એ પછી લાગતું હતું કે બીજેપી સામે અસલી પડકાર બીજેપીનો જ છે. બીજેપીના નારાજ થયેલા નેતાઓ અપક્ષ તરીકે ઊભા હતા. ૧૯ જણને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મતદાનના છેલ્લા દિવસે વાઘોડિયામાં પણ એક નેતાને સસ્પેન્ડ કરવા પડ્યા હતા, પરંતુ પરિણામ આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે વધુ એકવાર બીજેપીનું નેતૃત્વ આંતરિક અસંતોષની પણ આરપાર નીકળી ગયું છે. પ્રચાર ધમધમવા લાગ્યો અને નરેન્દ્ર મોદી એક પછી એક સભાઓ ગજવી રહ્યા હતા ત્યારે સી.આર. પાટીલ નારાજ લોકોને મનાવવા અને કાર્યકરો  નિષ્ક્રિય ન રહે એ માટે કામે લાગ્યા એને કારણે આ પરિણામ આવ્યું છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ એક જોરદાર દાવ ખેલ્યો હતો, એ જ કદાચ આખરે કામ લાગી ગયો. તેમણે બહુ જ પ્રારંભમાં જાહેરમાં બીજેપીના કાર્યકરોને સાવધ કર્યા હતા કે કૉન્ગ્રેસને હળવાશથી લેશો નહીં. કૉન્ગ્રેસ ખાટલા પરિષદ કરીને ઘરે-ઘરે પહોંચી રહી છે. તમે ગફલતમાં રહેશો નહીં. ઉપરથી લાગે કે આ સંદેશ પીએમ પોતાના કાર્યકરોને આપ્યો. વાસ્તવમાં તેમણે આ વાત કૉન્ગ્રેસના ટેકેદારોના કાનમાં ઉતારી દીધી હતી. તેમના નિવેદનને કારણે કૉન્ગ્રેસના કાર્યકરો અને સમર્થકોને લાગ્યું કે કૉન્ગ્રેસ હજી પણ મેદાનમાં છે. એને કારણે કૉન્ગ્રેસી વોટ સાગમટે આમ આદમી પાર્ટીમાં જતા અટક્યા. અત્યારે જેટલા વોટ ગયા છે એને કારણે બે પક્ષોના મત વહેંચાયા અને બીજેપીને બેઠકો મળી ગઈ. આનાથી પણ વધારે કૉન્ગ્રેસી મત આમ આદમી પાર્ટીમાં ગયા હોત તો એની બેઠકો વધી ગઈ હોત, એક માહોલ બન્યો હોત અને એ સંજોગમાં ફેન્સ પર બેઠેલા ઘણા મતદારોએ પણ બીજેપીને બદલે છેલ્લે એક ચાન્સ લેવાનું વિચાર્યું હોત. નરેન્દ્ર મોદી તેમની લાંબી રાજકીય સૂઝને કારણે એમ થતું અટકાવી શક્યા છે. માત્ર નુકસાન ખાળ્યું નહીં, પણ જંગી ફાયદો કરાવ્યો. તેમનો મેસેજ કામ કરી ગયો અને બાકીનું કામ સંગઠને પૂરું કર્યું, એટલે ભલે ગુજરાતમાં વિપક્ષ બદલાઈ ગયો, પણ શાસન હજીય બીજેપીનું રહ્યું.

gujarat gujarat news gujarat election 2022 gujarat elections