Gujarat Election: ગુજરાતમાં મતદાન પહેલાં હંગામો: ભાજપના આ ઉમેદવાર પર થયો હુમલો

01 December, 2022 10:52 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

હુમલા બાદ ભાજપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. મતદાન પહેલા જ રાજ્યમાં હંગામો મચી ગયો છે. નવસારી (Navsari) જિલ્લાની વાંસદા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પીયૂષ પટેલ (Piyush Patel) પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. હુમલામાં પીયૂષને માથામાં ઈજા થઈ હતી.

પિયુષ પટેલ પર હુમલા અંગે વાંસદા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે કૉંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થકો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. ભાજપનું કહેવું છે કે કૉંગ્રેસે મતદાન પહેલાં સંપૂર્ણ પ્લાનિંગ સાથે આ હુમલો કર્યો છે. આ હુમલામાં પીયૂષની સાથે રહેલા 4થી 5 ભાજપના કાર્યકરો પણ ઘાયલ થયા હતા. આ સાથે કાફલામાં રહેલા 3થી 4 વાહનોને પણ નુકસાન થયું છે.

કૉંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર

હુમલા બાદ ભાજપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને કૉંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વાંસદા તાલુકાના જરી ગામમાં અજાણ્યા લોકોએ એક વાહન પર હુમલો કર્યો હતો, જેમાં પીયૂષ અને ભાજપના કેટલાક કાર્યકરો મુસાફરી કરી રહ્યા હતા. હાલ મામલો વાંસદા પોલીસ મથકે પહોંચ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે (1 ડિસેમ્બર) 19 જિલ્લામાં મતદાન શરૂ થઈ ગયું છે. કુલ 89 બેઠકો પર મતદાન થશે. સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી 14,382 મતદાન મથકો પર મતદાન થશે. આજે કુલ 788 ઉમેદવારોનું નસીબ ઈવીએમમાં કેદ થશે. ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર (29 નવેમ્બરે) સાંજે 5 વાગ્યે સમાપ્ત થયો હતો.

gujarat gujarat news gujarat election 2022 bharatiya janata party