ચૂંટણીતંત્રએ મતદારોને લખી કંકોતરી

04 December, 2022 10:52 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ચૂંટણીતંત્રએ ચૂંટણી-કંકોતરીનો નવતર પ્રયોગ કર્યો, કંકોતરી દ્વારા મતદાનનું નિમંત્રણ પાઠવ્યું

બનાસકાંઠા જિલ્લા ચૂંટણીઅધિકારી અને કલેક્ટર આનંદ પટેલે ધાનેરામાં જઈને મતદારોને ચૂંટણી-કંકોતરીઓ આપીને મતદાનનું નિમંત્રણ પાઠવ્યું હતું.


અમદાવાદ : અત્યારે ગુજરાતમાં એક તરફ લગ્નગાળો ચાલી રહ્યો છે તો બીજી તરફ ચૂંટણીની મોસમ પુરબહારમાં ખીલી છે ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન વધુ થાય એ માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણીતંત્રએ ચૂંટણી-કંકોતરીનો નવતર પ્રયોગ કરીને સૌને અચરજમાં મૂકવા સાથે અચૂક મતદાન કરવાનો મેસેજ આપ્યો છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરે યોજાવાનું છે ત્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લામાં જ્યાં ઓછું મતદાન થયું હોય એવાં મતદાનમથકો પર વધુ મતદાન થાય એ માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણીઅધિકારી અને કલેક્ટર આનંદ પટેલે તાજેતરમાં ધાનેરામાં જઈને મતદારોને ચૂંટણી-કંકોતરીઓ આપીને મતદાનનું નિમંત્રણ પાઠવ્યું હતું અને મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો. ધાનેરા બેઠક ઉપરાંત દાંતા બેઠકમાં ગઈ વખતે ધનપુર વિરમપુરમાં ઓછું મતદાન થયું હતું ત્યાં પણ મતદાર-જાગૃતિ કાર્યક્રમ યોજીને ગ્રામજનોને ચૂંટણી-કંકોતરી આપીને મતદાન કરવા જવા અપીલ કરી હતી. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં જ્યાં ગઈ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઓછું મતદાન થયું હતું એ જગ્યાઓએ નોડલ ઑફિસર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ અને સ્ટાફે પહોંચી જઈને વધુ ને વધુ મતદાન થાય એ માટે ચૂંટણી-કંકોતરી આપીને સૌને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં મતદાન વધુ થાય એ માટે ગ્રામીણ વિસ્તારોમાં જઈને ચૂંટણી-કંકોતરી આપીને ગ્રામજનોને મતદાન કરવા અપીલ કરી હતી.

લગ્નની કંકોતરીની જેમ ચૂંટણી-કંકોતરીમાં અવસરનું આંગણું, અવસરની તારીખ, સમય લખવામાં આવ્યો છે તેમ જ ટહુકો પણ લખાયો છે. આ ટહુકોમાં લખ્યું છે કે ‘સૌ મારા બનાસના જાગ્રત મતદારો, અવસર છે લોકશાહીનો, માહોલ છે ચૂંટણીનો, મારો-તમારો સૌના અધિકારનો, મત આપવા જરૂર-જરૂરથી પધારજો...ભૂલતા નહીં હો...કે...છેલ્લે લખ્યું છે કે તમારું આગમન એ જ લોકશાહીનો ધબકાર.’ 

gujarat election 2022 ahmedabad gujarat news