સદી વટાવનાર લાકડીના ટેકે આવ્યાં તો ૯૦ ‍વર્ષના વડીલ વ્હીલચૅરમાં બેસીને મતદાન કરવા આવ્યા

06 December, 2022 09:25 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં મતદાન માટે શતાયુ મતદારોનો પણ ઉત્સાહ અકબંધ : શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ૮૦ અને ૧૦૦ વર્ષ કે એથી વધુ વર્ષના વરિષ્ઠ મતદારોએ કર્યું મતદાન 

દિયોદરનાં ગનીબહેન ઠાકોરે લાકડીના ટેકે પોતાના પૌત્ર સાથે મતદાનમથકે આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીના મતદાનમાં શતાયુ મતદારોનો પણ ઉત્સાહ અકબંધ રહ્યો હતો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ૮૦ અને ૧૦૦ વર્ષ કે એથી વધુ વર્ષના વરિષ્ઠ મતદારોએ મતદાન કોઈકના સપોર્ટથી કે પછી જાતે ચાલીને મતદાનમથકે પહોંચીને મતદાન કર્યું હતું. અમદાવાદમાં ૯૦ વર્ષના હર્ષવર્ધન શાહ વ્હીલચૅરમાં બેસીને તો દિયોદરમાં ઉંમરની સદી વટાવી ચૂકેલાં ગનીબા લાકડીના ટેકે ચાલતાં-ચાલતાં મતદાન કરવા પહોંચ્યાં હતાં.

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા ૯૦ ‍વર્ષના હર્ષવર્ધન શાહ વ્હીલચૅરમાં બેસીને મતદાન કરવા આવ્યા હતા. તેઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મતદાન એ સિટિઝન્સનો રાઇટ છે. દેશ માટે વોટિંગ કરવું જોઈએ. હું માનું છું કે ડેવલપમેન્ટ કન્ટ્રી માટે વોટ આપવો જરૂરી છે. ખાસ કરીને યુવાનોને મેસેજ આપીશ કે આપણો દેશ લોકશાહીવાળો દેશ છે એટલે બધાએ વોટિંગ કરવું જોઈએ. વોટિંગ કરવાનો દરેકનો હક છે એટલે વોટિંગ તો અવશ્ય કરવું જોઈએ. યુવાનો પણ વોટ આપવા આગળ આવે અને દેશના ડેવલપમેન્ટમાં ઉપયોગી થવું જોઈએ.’

અમદાવાદમાં મતદાનમથકમાં વ્હીલચૅરમાં બેસીને મતદાન કરવા આવેલા હર્ષવર્ધન શાહ

ઉત્તર ગુજરાતમાં દિયોદર વિધાનસભા મતવિસ્તારમાં શતાયુ મતદાર ગનીબહેન પોપટજી ઠાકોરે દિયોદર શાળાના મતદાન બૂથ પર જઈને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૧૦૦ વર્ષથી વધુ વયનાં શતાયુ મતદાર ગનીબહેન લાકડીના ટેકે અને પોતાના પૌત્ર અનુપજી ઠાકોરના સપોર્ટથી પોતાના ઘરથી મતદાનમથકે ચાલીને આવ્યાં હતાં અને મતદાન કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે ‘મેં આજે મતદાન કર્યું છે. આપણે બધાએ અચૂક મતદાન કરવું જોઈએ.’

gujarat gujarat news gujarat elections gujarat election 2022