જે લોકશાહીએ રાજવીપણું લઈ લીધું એ જ લોકશાહી પર્વની ઉજવણી રાજવી ઠાઠ સાથે

02 December, 2022 09:02 AM IST  |  Rajkot | Rashmin Shah

રાજકોટના રાજવી માંધાતાસિંહ શાહી ઠાઠ સાથે પોતાની ફૅમિલી સાથે વિન્ટેજ કારમાં વોટ આપવા ગયા

તસવીર : દર્શન ચોટલિયા

આઝાદી વખતે સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાંઓને સમજાવીને તેમને ભારતમાં વિલીન કર્યાં અને દેશમાં લોકશાહીનો અમલ થયો. જે લોકશાહીને કારણે પોતે રજવાડાં છોડવાં પડ્યાં એ લોકશાહી સ્વાભાવિક રીતે મનમાં સહેજ ખટકે, પણ રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાની વાત જુદી છે. જે લોકશાહીએ રાજવીપણું લઈ લીધું એ જ લોકશાહીના પર્વ એવા મતદાનની ઉજવણી માટે તેઓ રાજવી ઠાઠ સાથે પોતાની ફૅમિલી સાથે રવાના થયા અને એ પણ એ જ ગાડીમાં જે ગાડીનો ઉપયોગ સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી વખતે કર્યો હતો.

ગુજરાતમાં ગઈ કાલે થયેલા પ્રથમ તબક્કાના મતદાન માટે ફૅમિલી સહિત મતદાનમથકે ગયેલા માંધાતાસિંહે જે ગાડી વાપરી હતી એ ગાડીમાં સરદાર પટેલ ૧૯૪૭માં કાઠિયાવાડમાં ફર્યા હતા અને આજુબાજુનાં રજવાડાંને વિલીન થવા માટે સમજાવ્યા હતા. માંધાતાસિંહે કહ્યું કે ‘મતદાન ખરેખર બહુ પવિત્ર છે અને એના થકી જ લોકશાહી ટકી શકે. ૭૫ વર્ષથી આપણે ત્યાં જે લોકશાહી છે એ એકેએક મતનું અને એના મતદારોએ લીધેલી તસ્દીનું પરિણામ છે એ એળે ન જવું જોઈએ. દરેકે મતદાન કરવું જ જોઈએ.’

gujarat gujarat news gujarat elections gujarat election 2022 rajkot Rashmin Shah