ભાઈઓ ભાઈઓને અને બહેનો બહેનોને બોલાવતાં હતાં ત્યારે રાગિણી પટેલે કોને મતદાન માટે બોલાવ્યાં?

02 December, 2022 09:06 AM IST  |  Rajkot | Rashmin Shah

જવાબ છે ટ્રાન્સજેન્ડર્સને. રાજકોટ ઇલેક્શન ડિપાર્ટમેન્ટે ટ્રાન્સજેન્ડર રાગિણી પટેલને બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવીને સૌને સમાન મતાધિકારનો સંદેશ ફેલાવ્યો

ટ્રાન્સજેન્ડર એવી રાગિણીએ પોતાના જેવાં જ બીજાં ટ્રાન્સજેન્ડર્સને ભેગાં કરીને ગઈ કાલે સૌરાષ્ટ્રમાં મતદાન કરાવ્યું હતું

આડોશપાડોશમાં હંમેશાં એવું જોવા મળતું હોય છે કે ભાઈઓ ભાઈઓને અને બહેનો બહેનોને બોલાવીને સાથે મતદાન માટે જતાં હોય છે, પણ રાગિણી પટેલે એક નવી પ્રથા પાડી અને ટ્રાન્સજેન્ડર એવી રાગિણીએ પોતાના જેવાં જ બીજાં ટ્રાન્સજેન્ડર્સને ભેગાં કરીને ગઈ કાલે સૌરાષ્ટ્રમાં મતદાન કરાવ્યું હતું.

રાજકોટ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ડિપાર્ટમેન્ટે ટ્રાન્સજેન્ડર રાગિણી પટેલને ઇલેક્શન માટે બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવીને એવો સંદેશ ફેલાવ્યો કે તમામ નાગરિકોને મતાધિકારનો સમાન હક પ્રાપ્ત થાય છે. રાગિણીએ આ વાતને ખરા અર્થમાં સાર્થક પુરવાર કરીને બે દિવસ પહેલેથી જ કામ શરૂ કરી દીધું, જેનું પરિણામ એ આવ્યું કે અગણિત સંખ્યામાં ટ્રાન્સજેન્ડર્સે ગઈ કાલે મતદાન કર્યું હતું. રાગિણી કહે છે, ‘સામાન્ય સંજોગોમાં અમે અમારા અસ્તિત્વ માટે લડતાં હોઈએ છીએ ત્યારે અમે આ પ્રકારનો સમાન હક જતો કેમ કરી શકીએ. અમે મતદાન કર્યું અને મતદાન કરનાર દરેકે પ્રતિજ્ઞા પણ 
લીધી કે ઘરે જવાને બદલે એ બીજા મિનિમમ બે ટ્રાન્સજેન્ડરને મતદાન કરાવશે. અમે અમારા આ મિશનમાં સાર્થક રહ્યાં અને હજારોની સંખ્યામાં અમે મતદાન કર્યું.’

gujarat gujarat news gujarat elections gujarat election 2022 rajkot Rashmin Shah