યોગેશ પટેલ : ટિકિટની પતંગ ને માંજલપુરનો ધારદાર માંજો

22 November, 2022 08:56 AM IST  |  Ahmedabad | Kiran Joshi

સાત ટર્મથી ધારાસભ્ય તરીકે જીતતા યોગેશ પટેલ ભલે હિન્દુવાદી ગણાતી પાર્ટી બીજેપીના ઉમેદવાર છે, પણ તેમનું વર્તન જોતાં તેઓ બુદ્ધમાર્ગી હોય એવું જણાય છે

યોગેશ પટેલ

હિન્દુઓની પાર્ટીની છાપ ધરાવતા બીજેપીએ ઉમેદવારી માટેના નિયમો પણ હિન્દુ-વયાશ્રમને ધ્યાનમાં રાખીને બનાવ્યા હોય એમ લાગે છે. ૭૬મા વર્ષથી હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સંન્યાસાશ્રમ શરૂ થાય છે. મીન્સ તમામ પ્રકારની ઉપાધિઓ, ઉધામા અને જવાબદારીઓથી મુક્ત થઈ આયુષ્યનાં છેલ્લાં પચીસ વર્ષ ઈશ્વરનું નામ લેવું જોઈએ, કારણ કે અહીંથી સીધા તેમની પાસે જ જવાનું છે.
ગુજરાતની કુલ ૧૮૨ બેઠકમાંથી ૧૮૧ બેઠક પર બીજેપીએ આ નિયમને ધ્યાનમાં રાખીને ૨૬થી ૫૦ની ઉંમર ધરાવતા ગૃહસ્થાશ્રમીઓને અને ૫૧થી ૭૫ની વય ધરાવતા વાનપ્રસ્થાશ્રમીઓને ટિકિટ આપી છે, પણ એક માંજલપુરની બેઠક માટે બીજેપીએ આ નિયમમાં બાંધછોડ કરીને ૭૬ વર્ષના એક સંન્યાસાશ્રમીને ટિકિટ આપવી પડી છે. સાત ટર્મથી ધારાસભ્ય તરીકે જીતતા યોગેશ પટેલ ભલે હિન્દુવાદી ગણાતી પાર્ટી બીજેપીના ઉમેદવાર છે, પણ તેમનું વર્તન જોતાં તેઓ બુદ્ધમાર્ગી હોય એવું જણાય છે.

જ્યારે ૭૫ વટાવી ગયેલા ઉમેદવારોને ટિકિટ ન આપવાનું બીજેપીએ જાહેર કર્યું ત્યારે એ ક્રાઇટેરિયામાં આવતા ધારાસભ્યોએ લેખિતમાં જણાવી દીધું કે ‘અમે ખસી જઈએ છીએ.’ યોગેશ પટેલે એવું ન કર્યું. ટિકિટમાંથી કપાઈ ગયેલા મધુ શ્રીવાસ્તવે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સામે તલવાર તાણીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ‘ટિકિટ નથી જ મળવાની’ એવું નક્કી હોવા છતાં યોગેશ પટેલે મધુ શ્રીવાસ્તવવાળી પણ ન કરી. યોગેશ પટેલે જે આ સ્થિતિ ધારણ કરી હતી એને જ ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગ કહ્યો છે.

બીજેપીના હાઈ-કમાન્ડે ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી લક્ષ્મણની રાહ જોતી ઊર્મિલાની પેઠે યોગેશ પટેલ ચૂંટણી ન લડવાની જાહેરાત કરે એની રાહ જોઈ. યોગેશ પટેલે પણ કોઈ આડું કે અવળું પગલું ભરવાને બદલે બુદ્ધનો માર્ગ અપનાવી હાઈ-કમાન્ડ શું કમાન્ડ આપે છે એની રાહ જોઈ. મેનકાનું નૃત્ય જોઈ પીગળી ગયેલા વિશ્વામિત્રની જેમ યોગેશ પટેલનું તપ જોઈ હાઈ-કમાન્ડ પીગળી ગયા અને છેલ્લી ઘડીએ તેમને ટિકિટ આપીને જાણે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ના ચૌધરી બલદેવસિંહની જેમ કહ્યું, ‘જાઓ યોગેશ પટેલ, જાઓ; જી લો અપની ઝિંદગી.’

gujarat gujarat news gujarat elections gujarat election 2022 bharatiya janata party Gujarat BJP