આ વખતે પવન અણધાર્યો છે : મતદાનમથકેથી લાઇવ

02 December, 2022 10:51 AM IST  |  Ahmedabad | Kiran Joshi

બુમરાણ મચાવનારાઓને ખબર નથી કે મતકુટિરમાં ગયા પછી ઉમેદવારે ખરીદેલો મતદાર એ જ ઉમેદવારને મત આપશે એવું ખાતરીપૂર્વક કહી શકાય નહીં

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

૧૦૦-૨૦૦ની નોટ, ચવાણાનાં પડીકાં અને દેશી દારૂની પોટલીના બદલામાં કીમતી મત સસ્તા ભાવમાં અને પવિત્ર મત અપવિત્ર થઈને વેચાઈ જાય છે, એવો શોર મચાવવામાં આવે છે. આ પ્રકારની બુમરાણ મચાવનારાઓને ખબર નથી કે મતકુટિરમાં ગયા પછી ઉમેદવારે ખરીદેલો મતદાર એ જ ઉમેદવારને મત આપશે એવું ખાતરીપૂર્વક કહી શકાય નહીં.

આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મતદાન ચાલી રહ્યું છે. આવા જ એક મતદાન મથકેથી એક મતદાર સાથે કરેલી (કાલ્પનિક) વાતચીત અહીં પેશ કરીએ છીએ...

પત્રકાર : મતદાન કરી આવ્યા?

ગ્રામજન : ભાઈ, અહીં લગ્નનો જમણવાર તો ચાલતો નથી કે હું જમવા આવ્યો હોઉં. મતદાન કરવા માટે જ આવ્યો છું ને મતદાન કરી પણ આવ્યો.

પત્રકાર : શું લાગે છે? કોણ જીતશે?

ગ્રામજન : ક્રોએશિયા એકેય મૅચ હાર્યું નથી એટલે એ આજની મૅચમાં બેલ્જિયમ સામે આસાનીથી જીતી જશે એમ લાગે છે.

પત્રકાર : વડીલ, હું ફુટબૉલ વર્લ્ડ કપની મૅચની વાત નથી કરતો. હું એમ પૂછવા માગું છું કે તમારા વિસ્તારમાં કોણ જીતશે?

ગ્રામજન : અમારા વિસ્તારમાં કોણ જીતશે એ જાણવા-સમજવા માટે અમે ટિકિટોની વહેંચણી થઈ ત્યારથી ટીવીમાં સમાચાર જોજો કરીએ છીએ અને નવાઈની વાત એ છે કે તમે ટીવી સમાચારવાળા અમારી પાસેથી એ જ જાણકારી મેળવવા અમારી પાસે આવો છો.

પત્રકાર : પવન કઈ તરફનો ફૂંકાઈ રહ્યો છે એ જાણવા માટે આ સવાલ કરવો જરૂરી છે.

ગ્રામજન : ઓકે. ચાલો, હું કહું કે ચાની કીટલીની નિશાનીવાળો અપક્ષ ઉમેદવાર જીતી જશે એમ લાગે છે, તો તમે માની લેશો?

પત્રકાર : એવું તો થોડું હોય? આ બેઠક પર ત્રિપાંખિયો જંગ છે એટલે કાં તો બીજેપી જીતશે, કાં તો કૉન્ગ્રેસ જીતે અને કાં તો આપ જીતશે. આમાં ચાની કીટલી વચ્ચે ક્યાંથી આવી?

ગ્રામજન : કેમ? અપક્ષ ન જીતી શકે? ન કરે નારાયણ ને નરેન્દ્ર મોદીને તેમની પાર્ટી ટિકિટ ન આપે અને તે બનારસ કે વડોદરાથી ચૂંટણી લડે તો ન જીતી જાય? 

પત્રકાર : બેશક, નરેન્દ્ર મોદી જીતી જ જાય. બન્ને બેઠકો પરથી જીતી જાય, પણ તમે અપક્ષ ઉમેદવારને જિતાડવા આટલી હદે તલપાપડ કેમ છો? શું તે તમારા કોઈ સગા છે?

ગ્રામજન : ના, એ મારા કોઈ સગા કે વહાલા નથી. ચાની કીટલીના નિશાન પર ચૂંટણી લડી રહેલો એ અપક્ષ ઉમેદવાર હું પોતે જ છું.

gujarat gujarat news gujarat elections gujarat election 2022