ગુજરાતમાં છે ૧૦,૩૫૭ શતાયુ મતદારો

23 November, 2022 10:17 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સૌથી વધુ ૧૫૦૦ અમદાવાદ જિલ્લામાં અને સૌથી ઓછા આઠ મતદારો ડાંગ જિલ્લામાં

અમદાવાદમાં ૧૦૦ વર્ષનાં મતદાતા વિમળાબહેન રાઠોડનું જમાલપુર ખાડિયા બેઠકના બીજેપીના ઉમેદવાર ભૂષણ ભટ્ટે શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે જેમણે કંઈકેટલીય ચૂંટણી જોઈ નાખી છે એવા ૧૦,૩૫૭ જેટલા ૧૦૦ વર્ષ કે એથી વધુ ઉંમરના મતદારો ગુજરાતમાં છે, જેમાં સૌથી વધુ ૧૫૦૦ અમદાવાદ જિલ્લામાં અને સૌથી ઓછા ૮ શતાયુ મતદારો ડાંગ જિલ્લામાં છે. જ્યારે ઉમેદવારની હાર-જીત માટે એક-એક મત મહત્ત્વનો હોય છે ત્યારે આ વડીલ મતદારોના મતનું મૂલ્ય પણ અમૂલ્ય બની રહે છે.

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ શતાયુ મતદારોની માહિતી આપતાં કહ્યું હતું કે ‘ગુજરાત વિધાનસભામાં આ વખતે કુલ ૪,૯૧,૩૫,૪૦૦ મતદાર પૈકી ૧૦,૩૫૭ મતદાર ૧૦૦ વર્ષ કે એથી વધુની વયના છે. આ મતદાતાઓ લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ શતાયુ મતદારો પૈકી પ્રથમ તબક્કામાં ૮૯ બેઠક પર ૫,૧૧૫ મતદાર અને બીજા તબક્કામાં ૯૩ બેઠક પર ૫,૨૪૨ શતાયુ મતદાર મતદાન કરશે. ૧૦૦ વર્ષ કે એથી વધુની ઉંમરના સૌથી વધુ ૧૫૦૦ મતદાર અમદાવાદ જિલ્લામાં, ૭૧૬ વડોદરા જિલ્લામાં, ૬૨૮ ભાવનગર જિલ્લામાં, ૫૪૭ રાજકોટ જિલ્લામાં અને ૫૩૧ મતદાર દાહોદ જિલ્લામાં છે, જ્યારે સૌથી ઓછા શતાયુ મતદાર ડાંગ જિલ્લામાં ૮, તાપી જિલ્લામાં ૬૭, નર્મદા જિલ્લામાં ૬૯, પોરબંદર જિલ્લામાં ૧૦૯ અને પાટણ જિલ્લામાં ૧૨૫ નોંધાયા છે.’

સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ૬૨૮, રાજકોટમાં ૫૪૭, કચ્છમાં ૪૪૪, જૂનાગઢમાં ૩૯૫, અમરેલીમાં ૩૭૨, જામનગરમાં ૨૯૮, ગીર સોમનાથમાં ૨૭૮, સુરેન્દ્રનગરમાં ૨૭૮, મોરબીમાં ૧૭૫, દેવભૂમિ દ્વારકામાં ૧૭૪, બોટાદમાં ૧૬૮ અને પોરબંદર જિલ્લામાં ૧૦૯ શતાયુ મતદાર છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ૩૮૨, ગાંધીનગરમાં ૨૬૦, મહેસાણામાં ૨૩૮, અરવલ્લીમાં ૨૦૦, સાબરકાંઠામાં ૧૬૪ શતાયુ મતદાર છે. મધ્ય ગુજરાતમાં વડોદરામાં ૭૧૬, દાહોદમાં ૫૩૧, આણંદમાં ૩૩૨, ભરૂચમાં ૩૧૨, ખેડામાં ૨૮૦, પંચમહાલમાં ૨૩૭, છોટાઉદેપુરમાં ૧૪૫, મહીસાગરમાં ૧૩૨ તેમ જ નર્મદા જિલ્લામાં ૬૯ શતાયુ મતદાર છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં ૪૨૨, વલસાડમાં ૨૩૮ અને નવસારી જિલ્લામાં ૧૩૩ શતાયુ મતદાર છે.

ચૂંટણીપંચે ૮૦ વર્ષથી વધુ વયના મતદારો પૈકી જેમણે ઘરે બેઠા મતદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે તેમના ઘરે જઈને મતદાન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે વરિષ્ઠ મતદારોને મતદાન કેન્દ્રમાં જઈને મતદાન કરવું હોય તેમના માટે સવલત ઊભી કરી છે.

gujarat gujarat news gujarat elections gujarat election 2022