બીજેપીએ સાત બળવાખોર કાર્યકરોને સસ્પેન્ડ કર્યા

21 November, 2022 09:50 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

નાંદોદ, કેશોદ, ધ્રાંગધ્રા, પારડી, રાજકોટ ગ્રામ્ય, વેરાવળ અને રાજુલામાં કાર્યકરો–આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ દ્વારા ટિકિટ નહીં ફાળવાતાં નારાજ થઈને પક્ષ સામે બળવો કરી પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનાર સાત અગ્રણી કાર્યકરોને બીજેપીએ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.

નાંદોદ, કેશોદ, ધ્રાંગધ્રા, પારડી, રાજકોટ ગ્રામ્ય, વેરાવળ અને રાજુલામાં બીજેપી સામે ખુદ પક્ષના જ કાર્યકરો–આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવતાં બીજેપીએ ઍક્શન લેતાં તેમને સસ્પેન્ડ કર્યા હતા. બીજેપીએ આની જાહેરાત કરતાં કહ્યું હતું કે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવાર સામે સાત બેઠકો પર અગ્રણીઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી એથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની સૂચનાથી તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં નાંદોદ બેઠક પરથી હર્ષદ વસાવા, કેશોદ બેઠક પરથી અરવિંદ લાડાણી, ધ્રાંગધ્રા બેઠક પરથી છત્રસિંહ ગુંજારિયા, પારડી બેઠક પરથી કેતન પટેલ, રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભરત ચાવડા, વેરાવળ બેઠક પરથી ઉદય શાહ અને રાજુલા બેઠક પરથી કરણ બારૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

gujarat gujarat news gujarat elections gujarat election 2022 bharatiya janata party Gujarat BJP