સુરતવાળી થવાના ભયે અમદાવાદના ૧૬ ઉમેદવારોને આપ શહેરની બહાર લઈ ગઈ

21 November, 2022 09:37 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અરવિંદ કેજરીવાલે કારણ આપતાં કહ્યું કે ઉમેદવારો સોમનાથમાં ટ્રેઇનિંગ માટે ગયા છે

ફાઇલ તસવીર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની તારીખ સુધીમાં સુરતવાળી થવાના ભયે અમદાવાદના ૧૬ ઉમેદવારોને આમ આદમી પાર્ટી (એએપી-આપ) શહેરની બહાર લઈ ગઈ હોવાની વાતો ઊઠી છે. જોકે આ મુદ્દે ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે બધા ઉમેદવારો સોમનાથમાં ટ્રેઇનિંગ માટે ગયા છે.

અમદાવાદની ૧૬ બેઠકોના ‘આપ’ના ઉમેદવારો બે દિવસથી નહીં દેખાતાં તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તાજેતરમાં જ સુરતમાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાના દિવસે તેમનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લેતાં કદાચ ‘આપ’ના મોવડી મંડળને ભય લાગ્યો હશે કે અમદાવાદમાં પણ સુરતવાળી ન થાય એટલે અમદાવાદની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની તારીખ પહેલાં ૧૬ ઉમેદવારોને શહેરની બહાર લઈ ગયા છે અને તેમને સેફ કર્યા હોવાની ચર્ચા ઊઠી છે. આ તમામ ઉમેદવારોને ઉમેદવારી પરત ખેંચવાની તારીખ સુધી બહારગામ રખાશે.

આ વિશે અરવિંદ કેજરીવાલને જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે તેઓએ એમ કહ્યું હતું કે સોમનાથમાં તેઓ ટ્રેઇનિંગ માટે ગયા છે અને સૌ સાથે છે. 

gujarat gujarat news gujarat elections gujarat election 2022 aam aadmi party arvind kejriwal ahmedabad shailesh nayak