કોરોના વાઈરસ ઈફેક્ટ: સુરતી લાલાઓના હોઠ લાલ નહીં થાય

04 July, 2020 07:19 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

કોરોના વાઈરસ ઈફેક્ટ: સુરતી લાલાઓના હોઠ લાલ નહીં થાય

પાનની દુકાન- ફાઈલ તસવીર

ગુજરાતમાં આવેલું ડાયમન્ડ સિટી સુરત હવે જાણે કોરોનાનું હૉટસ્પૉટ બની રહ્યું છે. સુરતમાં વધતા જતા કોરોના-સંક્રમણને ધ્યાનમાં લઈને સુરતમાં સૌથી વધુ અસરગ્રસ્ત કતારગામ, વરાછા અને સરથાણા વિસ્તારમાં કોરોના-સંક્રમણને રોકવા માટે સુરતના મ્યુનિસિપલ કમિશનરે પ્રતિબંધ ફરમાવી દઈને પાનના ગલ્લા-દુકાનો ૭ દિવસ બંધ કરવાનો આદેશ ગઈ કાલ આપ્યો હતો. એટલું જ નહીં, સુરતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બનતાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ આજે સુરતની મુલાકાત લેશે અને ઊભી થયેલી સ્થિતિમાં કોરોનાને કાબૂમાં લેવા સમીક્ષા કરશે.

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ગઈ કાલે જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં જણાવાયું છે કે ‘સુરત શહેર વિસ્તારમાં આવેલાં તમામ પાનનાં લારી–ગલ્લા તથા પાનની દુકાનોમાં લોકોની ગિરદી થાય છે. દુકાને આવતા લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી તથા માસ્ક પણ પહેરતા નથી. એ ઉપરાંત તેઓ રસ્તા પર પાન–માવા ખાઈને જ્યાંત્યાં થૂંકતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે અને એને લીધે દિનપ્રતિદિન કોવિડ-19 સંક્રમણના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકાના નૉર્થ ઝોન ગણાતા કતારગામ, ઈસ્ટ ઝોન-એ વરાછા તથા ઈસ્ટ ઝોન-બી સરથાણા વિસ્તારમાં કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે એ વિસ્તારનાં તમામ પાનનાં લારી–ગલ્લા અને દુકાનો ૭ દિવસ સુધી બંધ રાખવા તથા અન્ય તમામ વિસ્તારોમાં પાનનાં લારી-ગલ્લા અને દુકાનોમાં ચારથી વધુ લોકોની ગિરદી ન કરવા તથા જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ ફરમાવું છું.’

gujarat surat coronavirus covid19 lockdown shailesh nayak