14 July, 2026 04:57 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાત (Gujarat)ના સુરત (Surat) શહેરમાંથી માનવતા અને કાયદાની ગરિમાને કલંકિત કરતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વર્ષ અગાઉ અપહરણ અને બળાત્કારનો ભોગ (Gujarat Crime) બનેલી ૧૩ વર્ષીય માસૂમ સગીરાને ન્યાય અપાવવાની આશા સાથે પરિવારે જે વકીલ પર અતૂટ ભરોસો મૂક્યો હતો, તે વકીલે જ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે. આરોપી વકીલે જૂનો કેસ બગાડી નાખવાની ધમકી આપીને સગીરાને પોતાના ઘરે બોલાવી હતી, જ્યાં તેની સાથે દુષ્કર્મ અને અકુદરતી સેક્સ આચરી તે કુકર્મનો મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો. જોકે, પીડિતાએ હિંમત દાખવી પિતાને આપવીતી જણાવતા, સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને પોક્સો (POCSO) અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ નરાધમ વકીલને જેલભેગો કરી દીધો છે.
વર્ષ 2025માં ફરિયાદી પિતાની દીકરી જ્યારે માત્ર 12 વર્ષ અને 8 માસની કિશોરી હતી, ત્યારે 19 સપ્ટેમ્બર 2025ના રોજ બે આરોપીઓએ તેનું અપહરણ કર્યું હતું. આ અંગે 22 સપ્ટેમ્બર 2025ના રોજ સચિન જીઆઇડીસી (GIDC) પોલીસ સ્ટેશનમાં અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધાયો હતો. પોલીસે 23 નવેમ્બર 2025ના રોજ કિશોરીને શોધી કાઢીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કાયદાકીય પ્રક્રિયા દરમિયાન પીડિત કિશોરીના પિતાએ કોર્ટમાં પોતાનો પક્ષ મજબૂતાઈથી રાખવા માટે વકીલ પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીરને પોતાના અધિકૃત વકીલ તરીકે રોક્યા હતા. વકીલ પીડિત પરિવાર વતી કોર્ટમાં કેસ લડી રહ્યો હોવાથી પરિવારને તેના પર અતૂટ ભરોસો હતો.
પોલીસ તપાસ અને એસીપી (ACP) એ. સી. તરડેના જણાવ્યા અનુસાર, 12 જુલાઈ 2026ના રોજ વકીલ પ્રણયરાજે અસીલ એટલે કે કિશોરીના પિતાને ફોન કર્યો હતો. તેણે જણાવ્યું કે, `તમારી સગીર કિશોરીને મારે ત્યાં ઘરકામ માટે નોકરીએ રાખવી છે`, તેમ કહીને તેણે અસીલ પાસેથી તેમના ઘરનું લોકેશન મેળવી લીધું હતું.
ત્યારબાદ વકીલે પીડિત પરિવારને વિશ્વાસમાં લીધો અને સાથે એવી ધમકી પણ આપી કે, જો કિશોરીને મારા ત્યાં કામ પર નહીં મોકલો તો તમારી દીકરીનો જે જૂનો કેસ કોર્ટમાં ચાલે છે, તેમાં હું મોટું નુકસાન કરાવી દઈશ અને કેસ બગાડી નાખીશ. આ ધમકી અને દબાણના કારણે ફરિયાદીએ પોતાની દીકરીને વકીલ સાથે મોકલી હતી. વકીલ પ્રણયરાજ સગીરાને પોતાની ગાડીમાં બેસાડીને ડીંડોલી ખાતે આવેલી પોતાની વેદાંતવિલા સોસાયટીના મકાનમાં લઈ ગયો હતો.
સુરતના, ડીંડોલી ઉમિયા ચોક પાસે આવેલા મકાન નંબર 42માં લઈ ગયા બાદ વકીલ પ્રણયરાજ રણવીરે પોતાનું અસલી રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું હતું. તેણે 13 વર્ષ અને 6 માસની માસૂમ કિશોરીને ડરાવી-ધમકાવી હતી અને તેની સાથે મારપીટ કરી હતી. વકીલે બળજબરીપૂર્વક કિશોરીના કપડાં ઉતારી નાખ્યા હતા અને તેની મરજી વિરુદ્ધ જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
આટલેથી જ ન અટકતા, નરાધમે કિશોરી સાથે અકુદરતી પ્રવૃત્તિ પણ આચરી હતી. આ વકીલે કિશોરીને બ્લેકમેલ કરવાના ઈરાદે આ કુકર્મનો પોતાના મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો, જેથી પીડિતા કોઈને કશું કહી ન શકે.
આ ભયાનક પરિસ્થિતિમાંથી મુક્ત થયા બાદ ભયભીત બનેલી સગીર કિશોરીએ પોતાના પિતાને વકીલના આ કાળા કૃત્ય વિશે રડતા રડતા તમામ આપવીતી જણાવી હતી. દીકરીની વાત સાંભળીને પિતા સ્તબ્ધ થઈ ગયા હતા. જે વકીલને તેમણે ન્યાય મેળવવા માટે રોક્યો હતો, તેણે જ કિશોરીની જિંદગી બરબાદ કરી નાખી હતી.
પિતા તાત્કાલિક 13 જુલાઈ 2026ના રોજ સચિન GIDC પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર હકીકત જણાવી હતી. ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતાને જોઈને એસીપી એ. સી. તરડે સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તુરંત એક્શનમાં આવ્યા હતા અને તાત્કાલિક ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો.
સચિન GIDC પોલીસે આ મામલે કાયદાનું કડક વલણ અપનાવતા ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 64(2)(જે) [સત્તાનો દુરુપયોગ કરી દુષ્કર્મ], 65(1), 95, 115(2), 351(2) તેમજ ધી પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ 2012ની કલમ 4, 6, 8 અને 10 મુજબ ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાતાની સાથે જ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડ્યા હતા અને કલાકોની અંદર જ આરોપી વકીલ પ્રણયરાજ ગોવિંદભાઈ (ઉંમર વર્ષ 43)ને ડીંડોલી ખાતેથી ઝડપી પાડ્યો હતો.
હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે અને તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, પકડાયેલો વકીલ પ્રણયરાજ રણવીર કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ એક રીઢો ગુનેગાર છે. તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા માલૂમ પડ્યું છે કે તેની વિરુદ્ધ અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છ જેટલા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં અમદાવાદના બાવળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને દહેજ ઉત્પીડનનો ગુનો, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સરકારી કર્મચારી પર હુમલો અને પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરવાનો ગુનો, સુરત ગ્રામ્યના ઓલપાડમાં જાહેરનામા ભંગનો ગુનો, તેમજ ડીંડોલી અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં દારૂ પીને ગાડી ચલાવવા તથા મારામારીના ગંભીર ગુનાઓ સામેલ છે. પોલીસ હવે આ તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે જેથી કોર્ટમાં આરોપીને કડકમાં કડક સજા અપાવી શકાય.