રાજકોટ ફાયરિંગ કેસ : PSI સાપરાધ મનુષ્ય વધના ગુના સાથે સસ્પેન્ડ કરાયા

17 January, 2020 11:56 AM IST  |  Rajkot

રાજકોટ ફાયરિંગ કેસ : PSI સાપરાધ મનુષ્ય વધના ગુના સાથે સસ્પેન્ડ કરાયા

પ્રતીકાત્મક તસવીર

રાજકોટ શહેરના એસ. ટી. બસ-સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં પીએસઆઇ પી. પી. ચાવડાની રિવૉલ્વરમાંથી ફાયરિંગ થતાં તેને મળવા આવેલા સ્પા સંચાલક હિમાંશુ ગોહેલ નામના યુવકનું મોત નીપજ્યું હતું. ક્રિકેટ મૅચની ટિકિટ ખરીદવા માટે સ્પા સંચાલકને બોલાવ્યાનું અને સર્વિસ રિવૉલ્વર નવા કવરમાં નાખતી વખતે ફાયર થઈ ગયાનું ફોજદારે રટણ રટ્યું હતું. સ્પાના ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરી લાશ સ્વીકારવા ઇનકાર કર્યો હતો. પીએસઆઇ ચાવડા વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. હિમાંશુના પિતા દિનેશભાઈએ જણાવ્યું હતું કે લાશ તો નહીં જ લઈએ, મારા દીકરાની હત્યા કરવામાં આવી છે. પરિવારજનોએ પોલીસ સાથે સિવિલ હૉસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. જોકે યોગ્ય ન્યાયની ખાતરી મળતી પરિવારે હિમાંશુનો મૃતદેહ સ્વીકારી લીધો છે એવું એસપી એસ.આર. ટંડેલે જણાવ્યું હતું. પોલીસ-કમિશનર મનોજ અગ્રવાલે પીએસઆઇ ચાવડાને સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચો : કોલ્ડ વેવથી રાજ્ય ઠૂંઠવાયું, પાંચ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર

હિમાંશુના પરિવારજનો સિવિલ હૉસ્પિટલમાં લાશ નહીં લેવા માટે અડગ બન્યા હતા. પોલીસ પણ સમજાવી રહી હતી પરંતુ લાશ સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. મહિલાઓ ચોધાર આંસુએ રડતાં-રડતાં પીએસઆઇ વિરુદ્ધ રોષ વ્યક્ત કરી મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારા દીકરા, ભાઈને મારી નાખ્યો છે.

gujarat rajkot Crime News