12 June, 2025 09:31 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં બૅન્ગલોરમાં બનેલી નાસભાગની ઘટના પરથી બોધપાઠ લઈને આગામી રથયાત્રા દરમ્યાન લોકોની સલામતી માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આવકારદાયક પગલું ભર્યું છે. અમદાવાદમાં યોજાનારી રથયાત્રામાં આવનારા લાખ્ખો ધાર્મિકજનોની સલામતી માટે જો તમારી પાસે ભીડનિયંત્રણ અને ભાગદોડ રોકવા માટે કોઈ નવી ટેક્નિક કે આઇડિયા હોય તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં એનું ડેમોન્સ્ટ્રેશન બતાવવા આવી શકો છો.
અમદાવાદમાં ૨૭ જૂને ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા યોજાવાની છે ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આધુનિક સાધનો અને સૉફ્ટવેરના ઉપયોગથી અમદાવાદ શહેરની સુરક્ષાવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે અને એના ભાગરૂપે તમામ ટેક સ્ટાર્ટઅપ્સને જાહેર સલામતી અને સુરક્ષા ક્ષેત્રે તેમના નવા આઇડિયા બતાવવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ-ઇન્સ્પેક્ટર જે. કે. મકવાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રથયાત્રા દરમ્યાન ભીડનિયંત્રણ, ભાગદોડ રોકવાના ઉપાયો તેમ જ મોટા પાયે જાહેર સમારંભો માટે ઉપયોગી સુરક્ષા સંબંધિત ટેક્નૉલૉજી વિશે ટેક્નિકલ લોકો પાસેથી સૂચનો મગાવ્યાં છે. તેઓ બેટર આઇડિયા આપી શકે છે કે પછી કોઈ ઇનોવેટિવ હોય તો એ બતાવી શકે છે. રથયાત્રામાં લોકોની સેફ્ટી માટે શું કરી શકાય એ માટે કંઈક નવીન ટેક્નિક હોય તો એનું ડેમોન્સ્ટ્રેશન આગામી ૧૩ જૂને ગાયકવાડ હવેલી ખાતે આવેલી ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં બતાવી શકે છે.’