Gujarat Covid-19 Update:ગુજરાતમાં દર કલાકે ત્રણથી વઘુ મોત, દર મિનિટે 4થી વધુ કેસ

14 April, 2021 02:19 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

શ્મશાનગૃહમાં પણ અગ્નિસંસ્કાર માટે અનેક મૃતદેહો લાઇનમાં છે જ્યારે હવે મૃતદેહોને લઈ જવા માટે શબવાહિનીઓની પણ અછત વર્તાઇ છે આવા અનેક કારણોસર ગુજરાતની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ભયાવહ છે. અહીં દર મિનિટે ચારથી વધારે નવા દર્દીઓ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે અને રિપૉર્ટ પ્રમાણે દર કલાકે 3ના નિધન થઈ રહ્યા છે. સરકાર અને પ્રશાસન માટે આ માત્ર આંકડો હોઇ શકે પણ ગુજરાતમાં દર કલાકે ઘણાં લોકો પોતાના આપ્તજનોને ગુમાવી રહ્યા છે. ઑક્સિજન ન મળવાને કારણે, તો હૉસ્પિટલમાં બેડ ન મળવાને કારણે, તો એમ્બ્યુલન્સમાં જ કલાકો સુધી રહ્યા બાદ કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એટલું જ નહીં, શ્મશાનગૃહમાં પણ અગ્નિસંસ્કાર માટે અનેક મૃતદેહો લાઇનમાં છે જ્યારે હવે મૃતદેહોને લઈ જવા માટે શબવાહિનીઓની પણ અછત વર્તાઇ છે આવા અનેક કારણોસર ગુજરાતની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે.

ગુજરાતમાં કોરોના વાયરસ પોતાનો કેર વરસાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 6690 નવા દર્દીઓ મળ્યા અને 69 લોકોનું નિધન થયું. અમદાવાદ ફરી એકવાર સૌથી પ્રભાવિત થયું છે જ્યાં 2251 નવા કોવિડ-19 કેસ મળ્યા છે. સૂરત નજીક એક હજાર કેસ જ્યાં 24 કલાકમાં 1264 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. અમદાવાદમાં એક દિવસમાં સૌથી વધુ 23 લોકોના નિધન થયા છે. અત્યાર સુધી ગુજરાતમાં કુલ કેસનો આંકડો 360206 સુધી પહોંચી ગયો છે.

રાજકોટમાં 529, પોરબંદરમાં 8 કેસ
સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે, રાજકોટમાં એક દિવસમાં 529 કેસ સામે આવ્યા, ત્યાર બાદ વડોદરામાં 247 દર્દીઓ, જામનગરમાં 187, જ્યારે મહેસામા અને સૂરત જિલ્લામાં 177-177 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. 

ગુજરાતમાં નવ જિલ્લા એવા છે જ્યાં કોરોના દર્દીઓની સંખ્યા 3 ડિજિટમાં છે, જ્યારે 27 જિલ્લામાં 2 અંકોમાં કોરોનાના કેસ જોવા મળ્યા છે. રાજ્યમાં મંગળવારે 215805 લોકોને વેક્સીન મૂકવામાં આવી અને અત્યાર સુધી કુલ 9565850 લોકોને વેક્સીનેશન આપી દેવામાં આવ્યું છે.

બેડ, ICU અને વેન્ટિલેટર બાદ હવે શબવાહિનીઓની પણ વર્તાઇ અછત, એક ગાડીમાં લઈ જવાયા 7-8 મૃતદેહો
સુરત મ્યૂનિસિપલ કૉર્પોરેશનના એક શ્મશાનમાં સાત મૃતદેહ લઈને પહોંચી શબવાહિની. મૃતદેહ બૉડી-બેગમાં પેક કરવામાં આવ્યા હતા. બધાં જ મૃતદેહ વેનમાં જ રાખવામાં આવ્યા. એક કલાક સુધી રાહ જોયા બાદ વેનમાં રાખવામાં આવેલા મૃતદેહોના અગ્નિસંસ્કારનો વારો આવ્યો.

હૉસ્પિટલના બેડ, ઑક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર, દવા અને અહીં સુધી કે 108 એમ્બ્યુલેન્સની પણ અછત થઈ ગઈ છે. દર્દીઓને સારવાર ન મળવાની તેમજ તેમના નિધનના સમાચાર આવી રહ્યા છે. સારવારની અછતના સમાચાર વચ્ચે હવે શબવાહિનીઓની પણ અછત વર્તાઇ રહી છે.

24 કલાક વ્યસ્ત શબવાહિનીઓ
સરકાર અને એનજીઓ વૅન વિભિન્ન હૉસ્પિટલમાંથી મૃતદેહોને ટ્રાન્સફર કરવામાં વ્યસ્ત છે, જ્યારે ઘરે મૃત્યુ પામનારને ખાનગી વાહનોમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે કારણકે કોઇપણ સ્મશાનમાં વૅન ઉપલબ્ધ નથી. પહેલા, સ્મશાન વૅન એક ફોન કૉલ પર મળી જતી હતી પણ હવે હસ્પિટલમાં મૃતકોની સંખ્યા વધવાને કારણે વૅન 24 કલાક વ્યસ્ત છે.

જાણો શું કહ્યું જવાબદારોએ
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એનવી ઉપાધ્યાયે નવભારત ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "મને ખબર નથી કે એક જ વૅનમાં અનેક મૃતદેહો લઈ જવામાં આવે છે કે નહીં. પણ જો કોઇ ફરિયાદ છે તો હું તેની તપાસ કરીશ." શ્મશાનની વૅન સિવાય, શ્મશાનમાં પણ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે ખૂબ જ ભીડ એકઠી થઈ રહી છે.

gujarat coronavirus covid19