Gujarat Bomb Threat: ગુજરાતમાં ભયનો માહોલ- હવે વડોદરાની બીજી સ્કૂલ તેમ જ રાજકોટ કોર્ટને પણ બૉમ્બની ધમકી

25 June, 2025 06:55 AM IST  |  Vadodara | Gujarati Mid-day Online Correspondent

Gujarat Bomb Threat: આજે વડોદરાની રિફાઇનરી ઇંગ્લિશ મીડિયમ સીબીએસઈ સ્કૂલમાં પણ બૉમ્બની ધમકી આપવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

Gujarat Bomb Threat: અત્યારે ગુજરાત જાણે અલર્ટ પર હોય એમ લાગી રહ્યું છે. કારણકે એક પછી એક બૉમ્બની ધમકીઓ મળી રહી છે. ગઇકાલે વડોદરામાં એક સ્કૂલને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ આખી સ્કૂલ ખાલી કરી દેવાઈ હતી. હવે સતત બીજા દિવસે પણ ભયનો જ માહોલ છે. આજે વડોદરાની રિફાઇનરી ઇંગ્લિશ મીડિયમ સીબીએસઈ સ્કૂલમાં પણ બૉમ્બની ધમકી આપવામાં આવી છે.

ગઈકાલે નવરચન સ્કૂલને બૉમ્બની ધમકી મળી હતી. હાલમાં માતા-પિતાને તેમના બાળકોની સલામતી અંગે ખૂબ જ ચિંતામાં મુકાયા છે. શાળાના આચાર્યને ઇમેઇલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે- સ્કૂલમાં બૉમ્બ મૂકવામાં આવ્યો છે, આ બોમ્બ બ્લાસ્ટ થવાનો છે. 

ગઇકાલે પણ જે નવરચના સ્કૂલને ધમકી (Gujarat Bomb Threat) આપવામાં આવી હતી તે એક ઈમેઈલ દ્વારા આપવામાં આવી હતી, જેના કારણે તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તાત્કાલિક સ્થગિત કરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને પોલીસ સ્થળ પર પહોંચી હતી અને માતા-પિતાને તેમના બાળકોને લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સમા પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ શાળામાં પહોંચ્યા અને પરિસરની તપાસ શરૂ કરી હતી.

ગુજરાત હાઈકોર્ટને પણ મળી ધમકી

આ સાથે જ ગુજરાત હાઈકોર્ટને પણ ફરી એકવાર બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી (Gujarat Bomb Threat) મળી છે. ધમકી મળતાની સાથે જ પોલીસ વિભાગને ચેતવણી આપવામાં આવી છે. બૉમ્બ સ્ક્વોડ સહિતની ટીમો હાઈકોર્ટ પરિસરમાં પહોંચી ગઈ છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જોકે અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. તેની સાથે જ આ ઈમેલ કોણે મોકલ્યો છે તેની શોધ પણ ચાલી રહી છે. 

પ્રાપ્ત અહેવાલો સૂચવી રહ્યા છે કે CISFના જવાનો ઘટનાસ્થળે તૈનાત કરી નખવમાં આવ્યા છે. આ સાથે જ મોટી સંખ્યામાં ફાયરબ્રિગેડની ટીમ પણ આવી ગઈ છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

રાજકોટમાં પણ કોર્ટને મળી આવી જ ધમકી 

તમને જણાવી દઈએ કે રાજકોટમાં જામનગર રોડ પર આવેલા નવા કોર્ટને પણ આજે સવારે બૉમ્બથી બ્લાસ્ટ કરી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી બાદ SOG, બૉમ્બ સ્કવોર્ડ સહિતની ટીમો તપાસ માટે કોર્ટ ખાતે આવી ગઈ છે.

એકબાજુ અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાને ત્રણ જ દિવસ બાકી રહ્યા છે ત્યારે આ પ્રકારે મળતા બૉમ્બના ધમકીભર્યા ઈમેલથી (Gujarat Bomb Threat) ગુજરાત પોલીસ અલર્ટ મોડ પર આવી ગઈ છે. ગુજરાત હાઇકોર્ટને ફરી આજે ધમકી મળતાં જ સોલા હાઈકોર્ટ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ટીમ ઝડપથી પરિસરમાં પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

gujarat news gujarat ahmedabad vadodara rajkot bomb threat Gujarat Crime