BJPએ અમદાવાદમાં કોરોનાના વધેલા કેસ માટે નેહરાને જવાબદાર ગણાવ્યા

27 May, 2020 10:16 AM IST  |  Ahmedabad | Agencies

BJPએ અમદાવાદમાં કોરોનાના વધેલા કેસ માટે નેહરાને જવાબદાર ગણાવ્યા

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં કોરોના વાઇરસે કારો કેર વરસાવ્યો છે અને એમાં પણ હૉટસ્પૉટ અમદાવાદમાં વધતા કેસ અને કાબૂ બહાર જઈ રહેલી કોરોનાની સ્થિતિ પર બીજેપીના નેતાઓ ભૂતપૂર્વ એએમસી કમિશનર વિજય નેહરાને જવાબદાર ઠેરવી રહ્યા છે ત્યારે આ મામલે જ્યારે વસ્ત્રાપુર ખાતે મૅન્ગો ફેસ્ટિવલમાં પત્રકારો શહેરનાં મેયર બિજલ પટેલને વેધક સવાલો સાથે ઘેરી વળ્યા હતા ત્યારે તેમની પાસે કોઈ જવાબ નહોતો. તેઓ જાણે શહેરમાં કોરોના વાઇરસ પર કંઈ બોલવા જ માગતા નહોતા.

આજે વિજય નેહરાને લઈને સોશ્યલ મીડિયા પર બીજેપીના નેતાઓએ કરેલી ટિપ્પણીના કારણે રાજનીતિ ગરમાઈ છે, ત્યારે આ વિશે જ્યારે મેયર બિજલ પટેલને સવાલ કર્યો તો તેમણે કહ્યું કે તેઓ માત્ર મૅન્ગો ફેસ્ટિવલ અંગેના જ સવાલોનો જવાબ આપશે. એના સિવાય કોઈ જવાબ નહીં આપે. શહેરમાં કોરોનાના કેસોમાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે નેતાઓ પાસેથી હાલના જેવા જવાબો અને અધિકારીઓ પર થતા આક્ષેપ કોરોનાના ફ્રન્ટલાઇન વૉરિયરનું મનોબળ તોડે એવા હોવાની છાપ ઉપસી રહી છે.

આજે અમદાવાદના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને લઈને રાજકારણ ગરમાયું છે. વિજય નેહરાની બદલી કરતાં હવે રહી-રહીને મોટો હોબાળો જોવા મળી રહ્યો છે. વિજય નેહરા ઉપર એવા મોટા સનસનીખેજ આરોપો મૂકવામાં આવી રહ્યા છે કે તેમણે પબ્લિસિટી અને પ્રચારમાં જ સમયનો ઉપયોગ કર્યો અને અમદાવાદને ભગવાન ભરોસે છોડી દીધું હતું. વિજય નેહરા પર દેવુસિંહ ચૌહાણે પોતાનું નિવેદન આપતાં કેટલાક આક્ષેપો કર્યા હતા. તેમનું કહેવું હતું કે વિજય નેહરા પ્રજાનું હિત નહોતા જોઈ શકતા. વિજય નેહરા પોતાના પ્રચારમાં રચ્યાપચ્યા રહેતા હતા. તેમણે અમદાવાદને ભગવાન ભરોસે છોડી દીધું હતું. આ અંગેની ટ્વીટ જોકે તેઓએ પછીથી ડિલિટ પણ કરી હતી.

સોશ્યલ મીડિયામાં નહેરા વિરુદ્ધ ટ્વીટ મુદ્દે બીજેપી પ્રવક્તાએ પણ એક નિવેદન આપ્યું છે. બીજેપીના પ્રવક્તા ભરત પંડ્યાએ પક્ષના નેતા ઋત્વિજ પટેલના ટ્વીટને વખોડી કાઢ્યું છે અને સોશ્યલ મીડિયાના કન્વીનરોને કોઈ પણ મુદ્દે વિચારી સમજીને ટ્વીટ કરવા તાકીદ કરી છે. તેમણે જણાવ્યું કે અમે મીડિયા અને જનતાની સાથે છીએ.

gujarat ahmedabad coronavirus covid19 lockdown