ફતેહગઢના એક ખેતરમાં વેધર બલૂન પડતાં લોકોમાં સર્જાયાં ગભરાટ અને કુતૂહલ

19 October, 2019 10:00 AM IST  |  ભુજ

ફતેહગઢના એક ખેતરમાં વેધર બલૂન પડતાં લોકોમાં સર્જાયાં ગભરાટ અને કુતૂહલ

બલૂન ખેતરમાં પડતાં લોકોમાં ગભરાટ સર્જાયો

કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના ફતેહગઢ ગામની સીમમાં શુક્રવારે સવારે એક ખેતરમાં હવામાન જાણવા માટેનો ‘વેધર બલૂન’ નીચે પડતાં લોકોમાં થોડીક વાર માટે ગભરાટ સાથે કુતૂહલ ફેલાઈ ગયાં હતાં. જોકે નિષ્ણાતોએ આ વેધર બલૂન હોવાનું જણાવતાં લોકોને રાહત થઈ હતી. 

ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું હતું કે હવામાન કેન્દ્રો દ્વારા હવાના ઉપલા સ્તરમાં પવનની ઝડપ, ભેજ, દિશા, દબાણ, તાપમાન વગેરેનું માપન કરવા માટે દરરોજ વેધર બલૂન છોડવામાં આવતાં હોય છે. આ બલૂન પણ ભુજ હવામાન કચેરીનું હોવાનું જણાવી તેમણે ઉમેર્યું કે એક વાર આકાશમાં છોડ્યા બાદ આ બલૂન નીચે આવે ત્યારે એ કોઈ કામનું રહેતું નથી. બલૂનમાં હાઇડ્રોજન વાયુ ભરીને એને આકાશમાં છોડવામાં આવે છે અને એ આકાશમાં ૩૦થી ૪૦ કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચતું હોય છે.

આ પણ વાંચો : ગુજરાત વિદ્યાપીઠના શતાબ્દી પ્રવેશે 100 વૃક્ષોનું વાવેતર કરાયું

રેડિયો ફ્રીક્વન્સી પર કામ કરતું બલૂન એક વાર ડેટા ટ્રાન્સમિટ કરી દે પછી એનો કોઈ ઉપયોગ રહેતો નથી. હવામાન કેન્દ્રો દ્વારા દરરોજ આ પ્રકારનાં બલૂન છોડાય છે. અંદાજે બસોથી ત્રણસો ગ્રામના એક બલૂનની કિંમત અંદાજે પાંચથી છ હજાર રૂપિયા જેટલી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

gujarat bhuj