25 May, 2025 10:34 AM IST | Gandhidham | Gujarati Mid-day Correspondent
ATSની પકડમાં આવેલો કચ્છનો સહદેવસિંહ ગોહિલ (વચ્ચે).
પાકિસ્તાની મહિલા એજન્ટને કચ્છમાંથી ગુપ્ત માહિતી મોકલનાર અને કચ્છમાં આવેલા માતાના મઢમાં મલ્ટિ-પર્પઝ હેલ્થ-વર્કર તરીકે કામ કરતા સહદેવસિંહ ગોહિલને ગુજરાત ઍન્ટિ- ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ ઝડપી લીધો હતો.
ગુજરાત ATSને મળેલી બાતમીના આધારે કચ્છના લખપત તાલુકાના નારાયણ સરોવર ખાતે રહેતો અને માતાના મઢમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં મલ્ટિ-પર્પઝ હેલ્થ-વર્કર તરીકે દયાપરમાં કૉન્ટ્રૅક્ટ પર નોકરી કરતો સહદેવ ગોહિલ બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF) અને ભારતીય નૌકાદળની માહિતીઓ વૉટ્સઍપના માધ્યમથી પાકિસ્તાનના એજન્ટને મોકલે છે એવી માહિતીના આધારે ગુજરાત ATSએ ટીમ બનાવીને સહદેવ ગોહિલને અમદાવાદ ATS કચેરીમાં લાવીને તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે ૨૦૨૩થી અદિતિ ભારદ્વાજ નામની કોઈ પાકિસ્તાની એજન્ટ સાથે વૉટ્સઍપ દ્વારા સંપર્કમાં છે. આ પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે મિત્રતા થતાં તેની ડિમાન્ડ પર સહદેવસિંહ ગોહિલે BSF અને ભારતીય નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતાં બાંધકામો અને નવા થનારાં બાંધકામો વિશેની ગુપ્ત અને સંવેદનશીલ માહિતીના ફોટો અને વિડિયો વૉટ્સઍપ મારફત પાકિસ્તાનના આ એજન્ટને મોકલી આપ્યા હતા અને એ બદલ તેને ૪૦,૦૦૦ રૂપિયા મળ્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત અને સંવેદનશીલ માહિતી ગેરકાયદે રીતે મેળવીને દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને મોકલવા બદલ સહદેવસિંહ ગોહિલ સામે ગુનો નોંધીને ગઈ કાલે તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના ૧૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.