ખોટું નામ જણાવીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી

02 April, 2021 05:48 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

ગુજરાત વિધાનસભામાં લવ જેહાદ કાયદાનો ખરડો પસાર: પ્રદીપસિંહ જાડેજાએ બિલ રજૂ કર્યું હતું

પ્રદીપસિંહ જાડેજા

ગુજરાત વિધાનસભામાં ગઈ કાલે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ લવ જેહાદના કાયદાનું બિલ રજૂ કર્યું હતું. પછીથી આ ખરડો સભામાં પસાર કરવામાં આવ્યો હતો.

પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં બિલ રજૂ કરતી વખતે જણાવ્યું કે હિન્દુ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે. દીકરી એ આપણું અંગ છે, દીકરીને પારકી થાપણ કહેવાય, પણ દીકરીને જેહાદી હાથોમાં ન જવા દેવાય. દીકરીને કસાઈઓના હાથમાં જતી બચાવવા માટે અમે કાયદો લાવ્યા છીએ. સમાજ દ્વારા જુદી-જુદી રજૂઆતોને આધારે આ બિલ લાવવામાં આવશે. હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને અનેક દીકરીઓનાં જીવન નરક બનાવી નાખવાની માનસિકતાવાળાં આ જેહાદી તત્ત્વો સામે સખતાઈથી અને કડકાઈથી કામ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. એ અંતર્ગત ખોટું નામ કહીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી.

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપતાં કહ્યું કે હું નખશિખ હિન્દુ છું અને હિન્દુ હોવાનું મને ગૌરવ છે. હિન્દુ ધર્મમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓ છે, પરંતુ મુઠ્ઠીભર લોકો અયોધ્યામાં તમે માથું નમાવો તો જ હિન્દુ હોવાનું સર્ટિફિકેટ વહેંચવા નીકળ્યા છે. અમને એનો વિરોધ છે.

વિધાનસભામાં લવ જેહાદ પર બોલતાં પરેશ ધાનાણી મુખ્ય પ્રધાન સુધી પહોંચ્યા હતા. ધાનાણીએ મુખ્ય પ્રધાનને અભિનંદન આપતાં કહ્યું કે એ સમયે તેમણે ધર્મના વાડા તોડીને લગ્ન કર્યાં હતાં. ત્યારે ભુપેન્દ્રસિંહે મુખ્ય પ્રધાનના ઉલ્લેખ સામે વાંધો ઉઠાવ્યો હતો. વિધેયકમાં લવ જેહાદ શબ્દનો ઉલ્લેખ નથી.

ગુજરાત વિધાનસભામાં ૨૦૦૩ના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમાં સુધારા વિધેયક રજૂ કરતાં પ્રદીપસિંહ જાડેજા એક કલાક અને ૧૧ મિનિટ બોલ્યા છે. તેમણે ‘લવ જેહાદ’ની વિસ્તારથી વ્યાખ્યા પણ બાંધી છે. કેરલામાં ચર્ચના રિપોર્ટને ટાંકીને પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે ધર્માંતરણ બાદ યુવતીઓનો જેહાદી અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે.

કૉન્ગ્રેસના વિધાનસભ્યએ બિલની કૉપી ફાડી નાખી

ગઈ કાલે કૉન્ગ્રેસી વિધાનસભ્ય ઇમરાન ખેડાવાલાએ ધર્મ સ્વતંત્રતા ઍક્ટ, ૨૦૦૩માં સુધારાના પ્રસ્તાવિત ખરડાની પ્રતને ફાડી નાખતાં ગુજરાત વિધાનસભામાં ચકમક ઝરી હતી. સુધારિત ખરડાની જોગવાઈઓ વિશે બોલતાં ઇમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે મુસ્લિમ યુવતીઓએ અન્ય ધર્મના યુવકો સાથે લગ્ન કર્યાં હોય એવા અનેક દાખલાઓ છે. ખેડાવાલાએ બિલ ફાડવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.

gujarat gujarat news love jihad