વિધાનસભા સત્ર: વિપક્ષના નારા 'આતંકવાદનો ખાત્મો કરો અમે તમારી સાથે છીએ'

18 February, 2019 12:45 PM IST  |  ગાંધીનગર

વિધાનસભા સત્ર: વિપક્ષના નારા 'આતંકવાદનો ખાત્મો કરો અમે તમારી સાથે છીએ'

ગુજરાત વિધાનસભા

ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસીય સત્ર આજથી મળી રહ્યું છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ સત્રમાં માત્ર લેખાનુદાન રજૂ થશે. આ સત્રના પ્રારંભે રાજ્યપાલના પ્રવચન દરમિયાન વિપક્ષે 'આતંકવાદનો ખાત્મો કરો અમે તમારી સાથે છીએ ,ખેડૂતોના દેવા માફ કરો'ના સૂત્રો પોકારી પ્રવચનમાં ખલેલ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. પરિણામે રાજ્યપાલ માત્ર 7 મિનિટમાં પ્રવચન પૂરું કરી રવાના થયા હતા. રાજ્યપાલના પ્રવચન બાદ 15 મિનિટના વિરામ પછી વિધાનસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ હતી. જેમાં કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ સિવાય પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી અને પૂર્વ મંત્રી મનોહરસિંહ જાડેજાના અવસાન અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

આ સત્રમાં કોંગ્રેસે સરકારને ઘેરવા માટે રણનીતિ ઘડી છે. જેમાં વિપક્ષ એલઆરડી પેપર લીક કાંડ, ભ્રષ્ટાચાર તેમજ રાજ્યમાં ખેડૂતોને મૂંઝવતા વિવિધ મુદ્દાઓને લઈને ગૃહમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ સરકાર પણ વિપક્ષને જવાબ આપવા માટે સરકારની સિદ્ધિઓ દર્શાવશે. આ ઉપરાંત વિપક્ષ જે પ્રશ્નો ઉભા કરે તેના જવાબો કેવી રીતે આપવા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ MLA શહીદોના પરિવારોને આપશે 3 મહિનાનો પગાર

શહીદોને ધારાસભ્યોની સહાય

રાજ્યના ધારાસભ્યોએ પણ પુલવામા હુમલાના શહીદોને સહાય આપવાનું નક્કી કર્યું છે. ભાજપના ધારાસભ્યોએ શહીદોને રૂ. એક કરોડ આપવાનું નક્કી થયું છે. ઉપરાંત પ્રધાનમંત્રી કૃષિ યોજના,10 ટકા બિન અનામત વર્ગને અનામત સહિતની બાબતોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તો કોંગ્રેસના ધારાસભ્યોની મળેલી બેઠકમાં ધારાસભ્યો એક પગાર આપશે.

બજેટ સત્રના પ્રથમ દિવસે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. જે બાદમાં ગૃહને મોકૂફ રાખવામાં આવશે. એટલે કે પ્રથમ દિવસે સરકાર અને વિપક્ષ સામેસામે નહીં હોય પરંતુ સત્રના બીજા દિવસથી વિપક્ષ સરકારને ઘેરવાનો એક પણ મોકો છોડશે નહીં. સામે સરકારે પણ વિપક્ષને જવાબ આપવીની તૈયારી કરી લીધી છે.

gujarat news