ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પતંગ ચગાવી સીએએના સમર્થનમાં

15 January, 2020 10:47 AM IST  |  Ahmedabad

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પતંગ ચગાવી સીએએના સમર્થનમાં

પતંગ ચગાવવાની મોજ માણી રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી.

ઉત્તરાયણના પર્વમાં ગઈ કાલે અમદાવાદમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સીએએના સપોર્ટમાં પતંગ ચગાવી હતી તો બીજી તરફ ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ મોંઘવારીની પતંગ ચગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

ગઈ કાલે અમદાવાદમાં સીએએના સમર્થનમાં પતંગ ચગાવીને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘ખોખરા અને પાલડી વિસ્તારમાં પતંગ ઉડાડવાનો આનંદ આવ્યો. કાર્યકર્તાઓએ સીએએને સપોર્ટ એ પ્રકારની પતંગ બનાવી હતી.

નાગરિક્તા સંશોધન કાયદાનો વિરોધ કરતા પતંગ સાથે જીગ્નેશ મેવાણી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને સીએએ માટે અભિનંદન અને સપોર્ટ માટે પતંગ ઉડાવી લોકોએ પોતાની લાગણી વ્યક્ત કરી છે. લોકોએ પતંગ ઉત્સવ આનંદથી ઊજવ્યો છે. આકાશમાં ઊંચે ઊડતી પતંગની જેમ ગુજરાતના વિકાસને પણ નવી ઊંચાઈઓ આપવી છે. ઉત્તરાયણ અને નવરાત્રિ જેવા ઉત્સવોએ ગુજરાતને વૈશ્વિક ઓળખ આપી છે.’

આ પણ વાંચો : અમિત શાહે પતંગ ચગાવી અને ગુજરાત બીજેપીના અધ્યક્ષે પકડી ફીરકી

અમદાવાદના મેમનગર વિસ્તારમાં ગુજરાત કૉન્ગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કૉન્ગ્રેસના કાર્યકરોએ મોંઘવારીના પતંગ ચગાવી હતી. અમિત ચાવડાએ કહ્યું હતું કે ‘દેશની જનતા મંદી અને મોંઘવારીનો માર સહન કરી રહી છે ત્યારે પતંગ પર મોંઘવારી વિરોધનાં સૂત્રો લખીને લોકોની વેદનાને વાચા આપી છે. શાકભાજી, તેલ, રાંધણ ગૅસ સહિતની ચીજ વસ્તુમાં અસહ્ય ભાવવધારો થયો છે ત્યારે લોકોની વેદનાને ઉજાગર કરવાનો આ પ્રયાસ થયો છે.’

gujarat ahmedabad Jignesh Mevani Vijay Rupani