ઊડતા અમદાવાદ : પાન પાર્લરમાંથી નશીલી કફ-સિરપનો જથ્થો મળ્યો

03 February, 2020 11:56 AM IST  |  Ahmedabad

ઊડતા અમદાવાદ : પાન પાર્લરમાંથી નશીલી કફ-સિરપનો જથ્થો મળ્યો

પ્રતીકાત્મક તસવીર

શહેરમાં ગાંજો-દારૂ ખુલ્લેઆમ વેચાતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે, પણ હવે નશીલી કફ-સિરપ પણ વગર પરમિટે વેચાતી હોવાનું સામે આવ્યું છે. કાગડાપીઠ પોલીસે બાતમીના આધારે એક પાનના ગલ્લામાંથી નશીલી કફ-સિરપનો સાતેક હજાર બૉટલ જેટલો જથ્થો કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં મુખ્ય સપ્લાયરની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં થોડાં વર્ષો પહેલાં દેશી દારૂ પીવાથી લઠ્ઠાકાંડ થયો હતો અને હવે નશીલી કફ-સિરપો આ જ પોલીસ સ્ટેશનની હદમાંથી એટલે કે બહેરામપુરામાંથી ઝડપાતાં આ વિસ્તારમાં નશાની હાટડીઓ બંધ નથી થઈ એવું મનાઈ રહ્યું છે.

કાગડાપીઠ પોલીસને બાતમી મળી હતી કે બહેરામપુરામાં આવેલા દેવાંશી પાન પાર્લરનો માલિક નશીલી દવાઓનો જથ્થો રાખી વેચાણ કરે છે. તેની પાસે કોઈ પરમિટ નથી જેથી પોલીસે એક ટીમ બનાવી હતી. આ ટીમે આ પાન પાર્લર પર એક ડમી ગ્રાહક મોકલ્યો હતો અને આ ગ્રાહકે જઈને કફ-સિરપ માગી હતી. પાનના ગલ્લાવાળાએ તેને દવાની બૉટલ આપતાં જ પોલીસે રેઇડ પાડી અને તપાસ હાથ ધરી હતી. દુકાનમાંથી અનેક બૉટલો પોલીસને મળી આવી હતી જેથી પોલીસે આરોપી પંકજ ડાંગરની ધરપકડ કરી હતી. પંકજ ડાંગરની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ હાથ ધરાતાં તેણે અન્ય એક જગ્યાએ મકાન ભાડે રાખી ત્યાં પણ માલ સંતાડ્યો હોવાનું કહેતાં પોલીસે એ જગ્યાએથી પણ આ નશીલી દવાઓનો જથ્થો કબજે કર્યો હતો.

પોલીસે કુલ સાતેક હજાર જેટલી કફ-સિરપની નશીલી દવાઓનો જથ્થો કબજે કરી નાર્કોટિક્સ ઍક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે દવા સપ્લાય કરનાર ભરત ચૌધરી છે જેથી પોલીસે તે વૉન્ટેડ ભરતની પણ શોધખોળ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોટા ભાગના યુવાધનમાં આ દવાનો નશો કરાતો હોવાથી આ દવા વેચાય છે. આ જ વિસ્તારની અનેક ચાલીઓના લોકોને દારૂ કે અન્ય કોઈ નશો ન મળે તો તે કફ-સિરપ પીવાનો નશો કરતા હોય છે.

gujarat ahmedabad Crime News