હવે ઘેરબેઠાં પોસ્ટ દ્વારા મળશે સોમનાથનો પ્રસાદ

23 February, 2021 11:35 AM IST  |  Ahmedabad | Mid-day Correspondent

હવે ઘેરબેઠાં પોસ્ટ દ્વારા મળશે સોમનાથનો પ્રસાદ

સોમનાથ મંદિર

ભાવિકોને ઘેરબેઠાં દેવાધિદેવ ભગવાન શ્રી સોમનાથદાદાનો પ્રસાદ હવેથી આરોગવા મળી શકે છે. ગુજરાતમાં વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથનો પ્રસાદ હવે ઘેરબેઠાં પોસ્ટ દ્વારા મળે તેવી સુવિધાનો ગઈ કાલથી પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ તેમની નજીકમાં આવેલી પોસ્ટ ઑફિસમાં જઈને ૨૫૧ રૂપિયાનું મનીઑર્ડર કરીને મગશના લાડુ અને ચિક્કીનો પ્રસાદ મેળવી શકશે. આ સેવાનો ઈ-શુભારંભ ગઈ કાલે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી- સેક્રેટરી પ્રવીણભાઈ લહેરીએ કરાવ્યો હતો. પ્રવીણભાઈ લહેરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ સેવાનો ઉદ્દેશ શ્રદ્ધાળુઓને તેમના ગામ સુધી પ્રસાદ પહોંચી શકે તે છે. દેશના દરેક ગામમાં પોસ્ટ સુવિધા પહોંચતી હોય છે જેથી પોસ્ટ વિભાગ દ્વારા પ્રસાદ મોકલાવવાનું આયોજન કરાયું છે. આ સેવાના પ્રારંભમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના પોસ્ટ માસ્ટર જનરલ રાકેશકુમાર ઉપસ્થિત રહ્યા હતા અને કહ્યું હતું કે દેશમાં ભારતીય પોસ્ટ વિભાગનું સૌથી મોટું નેટવર્ક છે. જેમાં ૧,૫૦,૦૦૦ પોસ્ટ ઑફિસ છે. દર ૬થી ૭ ગામડે એક પોસ્ટ ઑફિસ હોય છે. પોસ્ટ વિભાગ દ્વારા ભક્તોને સરળતાથી પ્રસાદ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવશે. 

gujarat ahmedabad