અમદાવાદ : 408 નકોરડા ઉપવાસ કર્યા સાધ્વી ગિરાંશુશ્રીજી

31 May, 2020 08:25 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદ : 408 નકોરડા ઉપવાસ કર્યા સાધ્વી ગિરાંશુશ્રીજી

સાધ્વી ગિરાંશુશ્રીજી

જૈન ધર્મ સહિત કદાચ દુનિયાના તમામ ધર્મોમાં જો કોઈ સૌથી કઠિન તપ હોય એવું જૈન શાસનનું ગુણરત્ન સંવત્સર તપ છે ત્યારે પરમાત્માની પરમકૃપા અને ગુરુમૈયાના આશીર્વાદ સાથે મજબૂત મનોબળ અને દૃઢ સંકલ્પથી અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સાધ્વી ગિરાંશુશ્રીજી ૪૮૦ દિવસના ગુણરત્ન સંવત્સર તપની આકરી તપશ્ચર્યા કરી રહ્યાં છે.

આ કઠિન તપ દરમ્યાન શારીરિક કે માનસિક કસોટીઓમાંથી પસાર થવા છતાં જરાય ડગ્યા વિના કે વિચલિત થયા વિના આત્મબળ અને ઇચ્છાશક્તિથી સાધ્વી ગિરાંશુશ્રીજી હવે આ તપની પૂર્ણાહુતિના અંતિમ ચરણમાં પહોંચી ગયાં છે. ૪૮૦ દિવસના આ ગુણરત્ન સંવત્સર તપમાં ૪૦૮ દિવસ નકોરડા ઉપવાસ કરવાના હોય છે અને ૭૨ દિવસ બ્યાસણાં કરવાનાં હોય છે ત્યારે અત્યાર સુધીમાં સૂર્યાસ્ત પહેલાં માત્ર દિવસ દરમ્યાન ફક્ત ઉકાળેલું પાણી જ પીને આજ સુધી ૩૯૪ દિવસના નકોરડા ઉપવાસ સાધ્વીજી ગિરાંશુશ્રીજી કરી ચૂક્યાં છે.

આગમોદ્ધારક શ્રી સાગરનંદસૂરીશ્વરજી મ.સા.નાં સમુદાયવર્તી સાધ્વીજી, વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત દોલતસાગરસૂરીશ્વરજી મ.સા.નાં આજ્ઞાનુવર્તી સાધ્વીજી અને વાત્સલ્યવારિધિ સાધ્વી વસંતપ્રભાશ્રીજીનાં શિષ્યા એવાં પ્રવચનશિરોમણિ તપસ્વિની સાધ્વી ગિરાંશુશ્રીજીએ ‘મિડ-ડે’ને ગુણરત્ન સંવત્સર તપ વિશે વાત કરતાં કહ્યું કે ‘જીન શાસનનું આ બહુ મોટું તપ છે. અત્યાર સુધીમાં કેટલાંક સાધુ-સાધ્વીજી ભગવંતોએ આ તપ કર્યું છે એટલે આ તપ વિશે સાંભળ્યું હતું. દરમ્યાન મારા ગુરુજીની નાદુરસ્ત તબિયતની અવસ્થામાં સાબરમતીમાં સ્થિરવાસ કરવાનો થયો ત્યારે મને ભાવ જાગ્યો કે આમ તો ૪૮૦ દિવસનું આવું તપ નથી કરી શકાતા, પણ અત્યારે વિહાર ન કરી શકીએ એટલે સ્થિરવાસમાં આ તપ કરવાની મારી ભાવના જાગ્રત થઈ. પરમાત્માએ સંકેત કર્યો હશે અને ગુરુમાતા સાધ્વીજી વસંતપ્રભાશ્રીજી પાસે આજ્ઞા માગી અને ગુરુમાએ હા પાડી એટલે ૨૦૧૯ની ૨૧ ફેબ્રુઆરીથી આ તપની શરૂઆત કરી હતી. આવતી ૧૪ જૂને આ તપની પૂર્ણાહુતિ થશે.’

ઉગ્ર તપ આદરનાર સાધ્વીજીએ અત્યાર સુધીમાં ૩૯૪ નકોરડા ઉપવાસ પૂરા કર્યા છે ત્યારે આ કઠિન તપશ્ચર્યા પાછળના પ્રભાવ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ‘આ તપ કરવું એ આપણી કોઈ શક્તિ નથી. એ દેવગુરુની અસીમ કૃપા અને પરમાત્માનો પ્રભાવ છે.’

આ કઠોર તપ દરમ્યાન આવેલી શારીરિક–માનસિક વિટંબણાઓ વિશે વાત કરતાં સાધ્વીજીએ કહ્યું હતું કે ‘આ તપથી બૉડીમાં ફરક પડે. ઉપવાસ દરમ્યાન વચ્ચે તબિયત બહુ બગડી ગઈ હતી. આંખમાં તકલીફ થઈ અને એવા ઘણાબધા પ્રૉબ્લેમ આવ્યા, પણ સ્ટેમિના, વિલપાવર હોય તથા પરમાત્મા પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે આ ઉપવાસ થઈ શક્યા છે. પરમાત્મા અને ગુરુમા પ્રત્યેની શ્રદ્ધા, તેમનામાં રહેલો વિશ્વાસ અને સમર્પણ છે એટલે મને શારીરિક કે માનસિક તકલીફમાંથી બહાર કાઢી રહ્યાં છે.’

ગુણરત્ન સંવત્સર તપ બહુ ઓછાં સાધુ–સાધ્વીજીઓ કરી શક્યાં છે એમ હર્ષદ શાહ અને પારુલ શાહે ‘મિડ-ડે’ને જણાવતાં કહ્યું કે ‘મહાવીરસ્વામી ભગવાનના ૨૫૦૦ વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીમાં બહુ ઓછા લોકોએ આ તપ કર્યું છે. જવલ્લે જ કોઈ આ તપ કરી શકે છે.’

શું છે ગુણરત્ન સંવત્સર તપ?

આ તપ વિશે વાત કરતાં સાધ્વી ગિરાંશુશ્રીજીએ કહ્યું કે ‘૪૮૦ દિવસનું આ તપ છે જેમાં ૪૦૮ દિવસ ઉપવાસ કરવાના હોય છે અને ૭૨ દિવસ બ્યાસણાં કરવાનાં હોય છે. ૧૬ મહિનાનું આ તપ હોય છે જેમાં ચડતા ક્રમે ઉપવાસ કરવાના હોય છે. પહેલા મહિને એક દિવસ ઉપવાસ અને બીજા દિવસે બ્યાસણું એમ આખો મહિનો કરવાનાં હોય. બીજા મહિનાથી સળંગ બે દિવસ ઉપવાસ અને પછીના એક દિવસે બ્યાસણું કરવાનું. એવી રીતે ત્રીજા મહિનામાં સળંગ ત્રણ દિવસ ઉપવાસ પછી એક દિવસ બ્યાસણું કરવાનું. એમ કરતાં-કરતાં બ્યાસણાંનો ક્રમ ઘટતો જાય અને ઉપવાસના દિવસો વધતા જાય. અત્યારે તપનો ૧૬મો મહિનો ચાલી રહ્યો છે એટલે અત્યારે સળંગ ૧૬ દિવસના નકોરડા ઉપવાસ શરૂ થયા છે જેમાં આજે ૧૦મો દિવસ છે. એમાં માત્ર ઉકાળેલું પાણી જ પીવાનું, બીજું કશું જ નહીં. સવારે દસ–સાડાદસ વાગ્યાથી સૂર્યાસ્ત થતાં પહેલાં પાણી પીવાનું હોય છે, પણ પછી પાણી પણ નહીં પીવાનું. ૧૬ દિવસના સળંગ ઉપવાસ પછી એક દિવસ બ્યાસણું આવશે, જેમાં જમી શકાશે. એ દિવસ પછી ફરી ૧૬ દિવસના ઉપવાસ શરૂ થશે.’

આ તપ દરમ્યાન બહુબધી કસોટીમાંથી પાર થઈ છું. મેં જે કસોટી પાર કરી છે એ કહી શકાય કે પહાડને પણ નાનો કહે એટલી મોટી છે, જેમાં મેં મારી આખી દુનિયા, મારા માથાનું છત્ર એવાં મારાં ગુરુમાને ખોઈ દીધાં છે. ગુરુમૈયાની પ્રબળ ઇચ્છા હતી કે આ તપ હું પૂરું કરું. તેમના અંતિમ સમયે તેઓ બોલ્યાં હતાં કે આ તપ પૂર્ણ કરજે, મારા તને આશીર્વાદ છે.
- સાધ્વી ગિરાંશુશ્રીજી

gujarat ahmedabad shailesh nayak