પ્રદીપસિંહ જાડેજા કૅબિનેટ પ્રધાન અને જિતુ વાઘાણી ગૃહરાજ્ય પ્રધાન બનશે

02 June, 2019 08:03 AM IST  |  અમદાવાદ | પ્રશાંત દયાળ

પ્રદીપસિંહ જાડેજા કૅબિનેટ પ્રધાન અને જિતુ વાઘાણી ગૃહરાજ્ય પ્રધાન બનશે

જિતુ વાઘાણી

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના ગઠન બાદ હવે ગુજરાત બીજેપીએ પણ પ્રધાનમંડળના વિસ્તરણની તૈયારીઓ હાથ ધરી છે. લોકસભાની ચૂંટણીમાં કૉંન્ગ્રેસમાં કરેલી તોડફોડના ભાગરૂપે કૉંન્ગ્રેસ છોડી બીજેપીમાં આવેલા નેતાઓને આપવામાં આવેલાં વચન પ્રમાણે પ્રધાનમંડળમાં સમાવવામાં આવશે. આ ઉપરાંત બીજેપી હાઈ કમાન્ડના વિશ્વાસુ રહેલા પ્રદીપસિંહ જાડેજાને રાજ્યકક્ષાના પ્રધાનમાંથી બઢતી આપી કૅબિનેટ પ્રધાન બનાવવામાં આવશે એવી જાણકારી મળી રહી છે, જ્યારે બીજેપી હાઈ કમાન્ડને અનુકૂળ આવે એવા નેતા અને પ્રદેશપ્રમુખ જિતુ વાઘાણીને ગૃહ રાજ્યપ્રધાનનો કાર્યભાર સોંપવામાં આવી શકે છે.

લોકસભાની ચૂંટણીના ભાગરૂપે તેમ જ સામે આવી રહેલી રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી બીજેપીએ ગુજરાતમાં કૉંન્ગ્રેસના નેતાઓને તોડવાનું અભિયાન ચલાવ્યું હતું જેમાં ચૂંટણી અગાઉ કાઙ્ખન્ગ્રેસ છોડી બીજેપીમાં આવેલા ભૂતપૂર્વ કૉંન્ગ્રેસી નેતાઓને તેમનું નામ અને પદ સાચવવામાં આવશે એવું વચન પણ આપવામાં આવ્યું હતું જેના કારણે કૉંન્ગ્રેસ છોડી આવેલા નેતાઓ પોતાની પૂરી તાકાત લગાડી કૉંન્ગ્રેસને માત આપી હતી જેના ફળ સ્વરૂપે હવે તેમને ઇનામરૂપે પ્રધાનમંડળમાં સમાવવામાં આવશે જેમાં અલ્પેશ ઠાકોરને કૅબિનેટપ્રધાન બનાવવામાં આવે એવી પૂરી શક્યતા છે. આ ઉપરાંત કૉંન્ગ્રેસના અનેક ચહેરાઓ બીજેપીના ખેસ સાથે વિવિધ સ્થાનો પર ગોઠવાઈ શકે છે.

આ ઉપરાંત પ્રધાનમંડળના ખાતામાં પણ ફેરફાર થાય એવી સંભાવના છે જેમાં રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સિનિયર પ્રધાન થયા છે. ૨૦૧૭ની ચૂંટણી બાદ તેમણે ગૃહને બદલે અન્ય વિભાગ સોંપવામાં આવે એવી ઇચ્છા હાઈ કમાન્ડ સામે વ્યક્ત કરી હતી, પણ સમયની માગણી પ્રમાણે હાઈ કમાન્ડે ગૃહની જ જવાબદારી યથાવત્ રાખી હતી, પણ હવે છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની નાદુરસ્ત તબિયતને કારણે સતત તણાવમાં રાખતું ગૃહ ખાતું બદલાય એવા સંજોગો ઊભા થયા છે. પ્રદીપસિંહ જાડેજાનું ખાતું બદલાય તો કાયદો અને વ્યવસ્થાને બીજેપીની રીતે સમજી શકે તેવા નેતાઓની યાદીમાં પ્રદેશપ્રમુખ જિતુ વાઘાણીનો ક્રમ પહેલો આવે છે જેના કારણે ગૃહ ખાતું તેમને સોંપાય એવી શક્યતા નેતાઓ નકારી રહ્યા નથી.

જિતુ વાઘાણીને પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવે તો પ્રદેશપ્રમુખની જવાબદારી બીજેપીના ટોચના નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપાય એવું માનવામાં આવી રહ્યાં છે. હાલમાં ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીને લઈ તેમનો મામલો હાઈ કોર્ટ સામે પડતર છે. કાયદાવિદના મત અનુસાર જે પુરાવા અદાલત સામે રજૂ થયા છે એ પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિરુદ્ધમાં ચુકાદો આવવાની સંભાવના છે. જો ચુડાસમાને ધારાસભ્યપદ છોડવું પડે એવી સ્થિતિમાં તેમના માટે પ્રદેશપ્રમુખની જવાબદારી તૈયાર જ છે. જો એવા સંજોગો ઊભા ન થાય તો બીજેપીના યુવા નેતા અને અમિત શાહના વિશ્વાસુ ડૉ. ૠત્વિજ પટેલને પ્રમુખનો તાજ પહેરાવવામાં આવે, પણ બીજેપીના સિનિયર નેતાઓ માને છે કે ડૉ. ૠત્વિજ અત્યંત જુનિયર છે, પરંતુ અમિત શાહના માપદંડમાં સિનિયર -જુનિયર જેવો ભેદ હોતો નથી. તેઓ પોતાને અનુકૂળ હોય તેને પ્રાધાન્ય આપે છે. આ તમામ પ્રક્રિયા ૧૦ જૂનની આસપાસ થાય એવી સંભાવના છે.

આ પણ વાંચો : NCPના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલને EDનું સમન્સ

બીજેપીના નવા પ્રદેશપ્રમુખ બનશે ઋત્વિજ પટેલ?

અમદાવાદઃ કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ હવે ગુજરાતમાં રૂપાણી સરકાર અને બીજેપી સંગઠનમાં મોટાપાયે ફેરફારો થવા જઈ રહ્યા છે જેમાં બીજેપીના પ્રદેશપ્રમુખનો કાર્યકાળ ઑગસ્ટમાં પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે પ્રમુખ જિતુ વાઘાણીને પ્રધાનમંડળમાં સ્થાન આપીને નવા પ્રમુખની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નવા પ્રદેશ પ્રમુખપદે હાલ બીજેપી યુવા મોરચાના પ્રમુખ અને શાહના નજીક ગણાતા ડૉ. ઋત્વિજ પટેલની નિમણૂક કરવામાં આવી શકે છે. ઑગસ્ટ ૨૦૧૬થી ગુજરાત બીજેપીના પ્રમુખપદે જિતુ વાઘાણીની નિમણૂક કરવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાતમાં આવેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી માંડીને વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના વિજયના ભાગીદાર વાઘાણી રહ્યા છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી દિલ્હી ગયા બાદ અને અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ ગુજરાત બીજેપીની સૌથી મોટી જવાબદારી પ્રદેશપ્રમુખ અને મુખ્ય પ્રધાન પર હતી. દરમ્યાન બીજેપી સંગઠનને મજબૂત બનાવવાની સાથે વિવિધ ચૂંટણીઓમાં રણનીતિ ઘડવામાં વાઘાણીનો મહત્ત્વનો રોલ રહ્યો છે. ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંની તમામ ૨૬ બેઠકો પર બીજેપીના વિજય પાછળ વાઘાણીનો પણ રોલ માનવામાં આવે છે.

gujarat ahmedabad Jitu Vaghani