અમદાવાદ: 24 ફેબ્રુઆરીએ માત્ર 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ જ યોજાશે

22 February, 2020 07:54 AM IST  |  Ahmedabad

અમદાવાદ: 24 ફેબ્રુઆરીએ માત્ર 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ જ યોજાશે

સજીધજી રહ્યું છે મોટેરા સ્ટેડિયમ : અમદાવાદમાં મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં આવતા અઠવાડિયે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ યોજાવાનો છે. જોકે આલોચકોના મતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના વતન ગુજરાતમાં કરવામાં આવેલો આ વધુ એક ભવ્ય પ્રસંગ હશે. (તસવીર : પી.ટી.આઇ.)

અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૨૪ ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાતને લઈ પુરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. ખાસ કરીને અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને મીડિયા ટીમ સાથે પોલીસ-અધિકારીઓ અને જીસીએના હોદ્દેદારોએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. જોકે ૨૪ ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન થશે નહીં, માત્ર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ જ યોજાવાનો છે. આ વિશે ગુજરાત ક્રિકેટ અસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણીએ સ્ટેડિયમના ઉદ્ઘાટન બાબતે જણાવ્યું કે આ કાર્યક્રમ ટ્રમ્પના ભવ્ય સ્વાગત માટે છે, સ્ટેડિયમનું ઉદ્ઘાટન થશે નહીં. આ કાર્યક્રમમાં કૈલાશ ખેર, પાર્થિવ ગોહિલ, પુરુષોતમ ઉપાધ્યાય, કિંજલ દવે અને કીર્તિદાન ગઢવી સહિત અન્ય કલાકારો પણ પર્ફોર્મ કરશે.

મોટેરા સ્ટેડિયમમાં ૧ લાખ ૧૦ હજાર પ્રેક્ષકો વચ્ચે મોદી અને ટ્રમ્પનો ખાસ કાર્યક્રમ યોજાવાનો છે એની સલામતી અને સુરક્ષાની સાથે સરળતાથી પ્રવેશ મળી શકે એ માટેની વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. મોટેરા સ્ટેડિયમ તૈયાર થયા બાદ સૌપ્રથમ વાર અંદરનો નજારો જોવા મળ્યો છે. આ ઉપરાંત સ્ટેડિયમની આસપાસ આવેલા પાર્કિંગ પ્લૉટમાં કૉર્પોરેશન દ્વારા ટૉઇલેટ વૅન અને મેડિકલ વૅન પણ મૂકી દેવામાં આવી છે.

ટ્રમ્પ અને મોદી પર આતંકવાદી હુમલાનો ભયઃ ઍરક્રાફ્ટ, ડ્રોન ઉડાડવા પર મનાઈ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદી ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવવના છે. તેમના પર આતંકવાદી હુમલાનો ભય હોવાને લઈ અમદાવાદ પોલીસ- કમિશનર આશિષ ભાટિયાએ જાહેરનામું બહાર પાડ્યું છે.

આતંકવાદીઓ વાહનોનો ઉપયોગ કરતા હોય છે જેથી રેસ્ટોરન્ટ, હોટેલ, જ્વેલર્સની દુકાનો, આંગડ‌િયા પેઢી, થિયેટર, મૉલ-મલ્ટ‌િપ્લેક્સ અને પેટ્રોલ પમ્પ પર એચડી સીસીટીવી કૅમેરા લગાવવા ફરજિયાત છે. ઉપરાંત પાવર ઍરક્રાફ્ટ, ડ્રોન, માઇક્રો ઍરક્રાફ્ટ ઉડાડવા પર મનાઈ ફરમાવી છે. ભાડે મકાન રાખનાર અને આપનાર લોકોએ પણ સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં આ બાબતે નામ, સરનામા, પુરાવા સાથેની જાણ કરવાની રહેશે. આ ઉપરાંત પોલીસ દ્વારા મોદી અને ટ્રમ્પની સુરક્ષાને લઈ રિહર્સલ કરવામાં આવશે.

gujarat motera stadium donald trump narendra modi ahmedabad