રાજકોટમાં પોલીસ અને પરપ્રાંતીયો વચ્ચે ઘર્ષણ, વાહનોમાં થઈ તોડફોડ

18 May, 2020 12:02 PM IST  |  Rajkot | Agencies

રાજકોટમાં પોલીસ અને પરપ્રાંતીયો વચ્ચે ઘર્ષણ, વાહનોમાં થઈ તોડફોડ

રાજકોટમાં પોલીસ અને પરપ્રાંતીયો વચ્ચે ઘર્ષણ

કોરોના સંકટમાં જ્યાં એક તરફ પોલીસ, સફાઈકર્મીઓ અને તબીબો પર પુષ્પવર્ષા કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં માનવતાના દુશ્મન પોલીસ અને તબીબો પર જીવલેણ હુમલો કરી રહ્યા છે. એવી જ એક ઘટના હવે રાજકોટથી સામે આવી છે. માહિતી મુજબ રાજકોટમાં કલસ્ટર કરવામાં આવેલ જંગલેશ્વર વિસ્તારમાં હિંસક ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાની માહિતી મળી છે. માત્ર પતરા હટાવવા બાબતે ૪૦૦થી વધુ લોકોનું ટોળું ઘરોની બહાર રસ્તા પર ઊતરી આવ્યું હતું અને પોલીસ પર પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરી હતી.

હિંસક ટોળાને વિખેરવા પોલીસ દ્વારા ૩ ટિયર ગૅસના સેલ છોડવામાં આવ્યા હતા. ઘટનાને લઈ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો જંગલેશ્વર વિસ્તારમાં પહોચ્યો હતો. પોલીસ દ્વારા ૧૬ જેટલાં હિંસક તત્ત્વોની અટકાયત કરીને પરિસ્થિતિ પર નિયંત્રણ કરાયું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કોરોનાના સૌથી વધુ કેસ જંગલેશ્વર વિસ્તારમાંથી સામે આવ્યા છે ત્યારે આ વિસ્તારમાંથી કોઈ બહાર ન નીકળે એ માટે પોલીસ દ્વારા શેરી-ગલીઓમાં પતરાં લગાવી દેવામાં આવ્યાં હતાં.
ત્યારે આ અગાઉ પણ આ હિંસક ટોળા દ્વારા આ પતરાં તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ દ્વારા એ સમયે સમજાવવામાં આવતા મામલો શાંત પડ્યો હતો, પરંતુ હવે ઘટનાએ હિંસક રૂપ ધારણ કર્યું હતું. તેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી ૧૬ જેટલાં હિંસક તત્વોની અટકાયત કરી છે.

માહિતી મુજબ રાજકોટના શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શ્રમિકોઅે રસ્તા પર આવી ભારે હોબાળો કર્યો છે. શ્રમિકો દ્વારા રસ્તા પર વાહનો રોકવામાં આવ્યાં અને તોડફોડ કરવામાં આવી. લૉકડાઉનના કારણે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ફસાયેલ આ શ્રમિકોએ વતન પાછા જવાની માગ કરી હોબાળો કર્યો હોવાનું સામે આવ્યું છે. પરપ્રાંતીયો દ્વારા હોબાળો થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા કાર્યવાહી શરૂ કરી હતી.

gujarat ahmedabad rajkot