અમદાવાદ: ઇડરમાં બે જૈન મહારાજસાહેબે મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ

24 June, 2020 07:14 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદ: ઇડરમાં બે જૈન મહારાજસાહેબે મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ

ઇડરમાં પાવાપુરી સમેતશિખર તીર્થધામ

ગુજરાતમાં આવેલા અને ઇડરિયા ગઢના નામથી વિશ્વમાં ઓળખાતા સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં બે જૈન મહારાજસાહેબના વ્યભિચારની ઘટના બહાર આવી છે. ઇડરના પાવાપુરી જલમંદિરમાં રહેતા રાજાસાહેબ રાજતિલક સાગરજી અને કલ્યાણસાગરજી મંત્ર-તંત્ર અને મેલી વિદ્યા કરતા હોવાની તથા ડરાવી-ધમકાવીને મહિલાઓ સાથે દુષ્કર્મ આચરતા હોવાની તેમ જ ટ્રસ્ટીઓને ધમકી આપતા હોવાની ફરિયાદ ખુદ ટ્રસ્ટીએ ઇડર પોલીસ-સ્ટેશનમાં કરતાં ઇડર પોલીસે બન્ને મહારાજસાહેબ સામે ગુનો નોંધીને આ ગંભીર કેસની તપાસ હાથ ધરી છે અને જલમંદિરમાં બન્ને મહારાજસાહેબને પોલીસે નજરકેદ કર્યા છે.

ઇડર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર પી. એલ. વાઘેલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇડર પાવાપુરી જલમંદિરમાં રહેતા રાજાસાહેબ રાજતિલકસાગર અને કલ્યાણસાગર સામે ગુનો દાખલ થયો છે. તેમની સામે પવિત્ર જગ્યાએ અપવિત્ર કૃત્ય કર્યાની અને મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ થઈ છે. આ ગુનાની અમે તપાસ કરી રહ્યા છીએ. આ કેસમાં ભોગ બનનારની તપાસ માટે, ઇન્વેસ્ટિગેશન માટે અમે સુરત આવ્યા છીએ. બન્ને મહારાજસાહેબની પૂછપરછ હજી સુધી કરી નથી. પહેલાં પુરાવા કલેક્ટ કરવાના છે અને એની તપાસ માટે અમે સુરત આવ્યા છીએ.’

પોલીસ-ઇન્સ્પેક્ટર પી. એલ. વાઘેલાએ વધુમાં કહ્યું કે ‘બન્ને મહારાજને મંદિરમાં નજરકેદ રાખ્યા છે. સ્થાનિક લોકો કોઈ મુશ્કેલી ઊભી ન કરે કે મહારાજ ભાગી ન જાય એ માટે તેમને નજરકેદ રખાયા છે.’

ઇડરમાં પાવાપુરી સમેતશિખર તીર્થધામ તથા સર્વકલ્યાણ ટ્રસ્ટ તેમ જ અષ્ટપદ જલમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ. આશિત દોશીએ ઇડર પોલીસ-સ્ટેશનમાં સોમવારે રાતે ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવાયું છે કે ‘ઇડર પાવાપુરી જલમંદિરમાં રહેતા રાજાસાહેબ રાજતિલકસાગરજી તથા મહારાજસાહેબ કલ્યાણસાગરજી સામે છેલ્લા એકાદ વર્ષથી વ્યભિચાર આચરવાના તેમ જ મહિલા અનુયાયીઓને ગંદી નજરે જોઈ તેમનું શારીરિક તેમજ માનસિક શોષણ કરતા હોવાની મૌખિક ફરિયાદો મળી હતી તેમ જ આ બન્ને મહારાજસાહેબ જૈન ધર્મનાં નૈતિક મૂલ્યો મુજબ જીવનચર્યા રાખતા ન હોય અને સાંસારિક પ્રકારની જીવનચર્યા જીવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બંન્ન મહારાજસાહેબ તેમને જૈન સમાજમાં મહારાજ તરીકે મળેલી ધાર્મિક ઉપાધિનો દુરુપયોગ કરીને મહિલા અનુયાયીઓને જૈન ધર્મની ઓથ હેઠળ ધાકધમકી, મંત્ર-તંત્ર તેમ જ મેલી વિદ્યાથી ડરાવી-ધમકાવી મહિલાઓ સાથે શરીરસંબંધ બાંધી દુષ્કૃત્ય કરતા હોવાની ફરિયાદ મળેલી જેથી હું તથા સંસ્થાના ટ્રસ્ટીઓ વડાલીના ડૉ. નિકુંજ વોરા, સુરતના ધનેશચંદ્ર શાહ તેમ જ અમદાવાદના મિતેશ લાખાણી અને દેવાંગ શાહ એકઠા થયા હતા અને બન્ને મહારાજસાહેબની વિરુદ્ધ મળેલી ફરિયાદોની ચર્ચા કરી હકીકત જાણી હતી અને આ બન્ને મહારાજસાહેબને અમે ઠપકો આપ્યો ત્યારે બન્ને મહારાજસાહેબોએ ‘શારીરિક આવેશમાં આવી જતાં કોઈક વખત આવું બન્યું હશે, ફરીથી આવું કોઈ કૃત્ય નહીં કરીએ અને અમે કોઈ મહિલાનું શોષણ કર્યું નથી’ એમ જણાવ્યું હતું. અમે બન્ને મહારાજસાહેબની વાત માનીને તેમને માફ કર્યા હતા.’

પોલીસ-ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે ‘ત્યાર બાદ ૨૦૨૦ની ૩ જાન્યુઆરીએ સુરતમાં રહેતા જૈન ધર્મના અનુયાયીએ ટ્રસ્ટીઓને સંબોધીને લેખિતમાં બન્ને મહારાજસાહેબ વિરુદ્ધ ફરિયાદ આપી હતી, જેમાં ઇડરની પવિત્ર જગ્યાએ આ બન્ને મહારાજસાહેબે અનુયાયી મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું અને સામાજિક રીતે બદનામ કરવાની તથા મેલી વિદ્યાથી બરબાદ કરી દેવાની ધામધમકી આપીને દબાણ કરી ડરાવી-ધમકાવીને મહિલાની મરજી વિરુદ્ધ બળાત્કાર જેવું દુષ્કૃત્ય કર્યું અને આ રીતે વારંવાર તેઓનું શારીરિક શોષણ કર્યું હોવાનું જણાવ્યું હતું અને એના કેટલાક વિડિયો અને ફોટો આપ્યા હતા, જેમાં બન્ને મહારાજસાહેબ પવિત્ર જગ્યાએ ખરાબ કૃત્ય કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. આ બાબતે બન્ને મહારાજસાહેબને ટ્રસ્ટીઓએ વાત કરી હતી. બન્ને મહારાજસાહેબે તેઓ પોતે સાંસારિક જીવન શરૂ કરવા માગતા હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ રાજતિલકસાગરજીએ અમને તથા ટ્રસ્ટીઓને જૈન સમાજના અન્ય ધાર્મિક વડાઓ મારફત દબાણ શરૂ કરાવી તેઓ વિરુદ્ધ કોઈ કાનૂની કાર્યવાહી ન થાય એ માટે ધર્મનો ઉપયોગ કરીને દબાણ કરવા માંડ્યા હતા તેમ જ મને અને નિકુંજ વોરાને બીભત્સ ગાળો આપીને સમાજમાં બદનામ કરી દેવાની તથા જૈન સમાજમાંથી બહાર કાઢી મૂકવાની અને મંત્ર-તંત્ર અને મેલી વિદ્યાથી બરબાદ કરી નાખવાની ધાકધમકી આપવા માંડ્યા હતા. ત્યાર બાદ અમે બન્નેએ આ બાબતે ટ્રસ્ટના સભ્યો સાથે ચર્ચા કરી આ બન્ને મહારાજસાહેબ વિરુદ્ધ ફરિયાદ આપવાનું નક્કી કર્યું હતું અને આ ફરિયાદ નોંધાવી છે.’

gujarat ahmedabad Crime News shailesh nayak