અમદાવાદ : 15 દિવસમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ 140 ટકા વધ્યો

24 May, 2020 01:52 PM IST  |  Ahmedabad | Agencies

અમદાવાદ : 15 દિવસમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ 140 ટકા વધ્યો

પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં કોરોનાના મામલા ૧.૨૫ લાખને પાર પહોંચી ગયા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસનો આંકડો ૧૩,૦૦૦ને પાર પહોંચી ગયો છે. તો અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા ૧૦ હજારને નજીક પહોંચી ગઈ છે. આ વચ્ચે અમદાવાદથી સારા સમાચાર પણ સામે આવ્યા છે. અમદાવાદ કૉર્પોરેશને દાવો કર્યો છે કે છેલ્લા ૧૫ દિવસમાં શહેરમાં રિકવરી રેટમાં ૧૪૦ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં અમદાવાદ શહેર કોરોના વાઇરસનું સૌથી વધુ ભોગ બન્યું છે. તે દેશના ટોપ-૫ શહેરોમાં સામેલ છે જ્યાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ નોંધાયા છે. તો હવે અમદાવાદના લોકો માટે સારા સમાચાર પણ આવ્યા છે. શુક્રવારે ૨૪ કલાકમાં ૨૫ લોકોનાં મૃત્યુ વચ્ચે તંત્ર દ્વારા રિકવરી રેટ વધવાનો દાવો કરવામાં આવ્યો છે. આઇએએસ અધિકારી રાજીવ ગુપ્તાએ જણાવ્યુ કે શહેરમાં ૫ મેએ રિકવરી રેટ ૧૫.૮૫ ટકા હતો, તો ગુજરાતનો રિકવરી રેટ ૨૨.૧૧ અને ભારતનો રિકવરી રેટ ૨૮.૬૨ ટકા હતો. તેમણે દાવો કર્યો કે છેલ્લા સપ્તાહમાં અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા અપનાવવામાં આવેલી બહુસ્તરીય રણનીતિને કારણે શહેરમાં રિકવર થનારાની સંખ્યા અવિશ્વસનીય રીતે વધી રહી છે.

gujarat ahmedabad gandhinagar coronavirus covid19 lockdown