200 વ્યક્તિને લગ્નમાં આમંત્રણ આપ્યા બાદ હવે કાપવા કોને?

25 November, 2020 02:38 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

200 વ્યક્તિને લગ્નમાં આમંત્રણ આપ્યા બાદ હવે કાપવા કોને?

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં વધતા જતા કોરોનાના સંક્રમણને કારણે લગ્ન સમારોહમાં વધુમાં વધુ ૧૦૦ વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવા ગુજરાત સરકારે નિયમ લાગુ કર્યો છે અને એનો અમલ પણ ગઈ કાલથી શરૂ થઈ ગયો છે ત્યારે ૨૦૦ વ્યક્તિઓને લગ્નમાં આવવા આમંત્રણ આપી ચૂકેલા વર અને કન્યા પક્ષના મોભીઓ હવે અસમંજસભરી સ્થિતિમાં મુકાઈ ગયા છે અને દ્વિધા અનુભવી રહ્યા છે કે બદલાયેલા નિયમને કારણે હવે ૨૮ અને ૩૦ નવેમ્બર તેમ જ ડિસેમ્બરમાં લગ્નમાં કોને બોલાવવા અને કોને ના પાડવી? એટલું જ નહીં, લગ્ન માટે સતત બદલાતા જતા નિયમોને કારણે કેટલાક લોકો તો લગ્ન મોફૂક રાખવાનું વિચારી રહ્યા છે.

અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા અને જેમની નાની બહેનનાંય લગ્ન છે તે હાર્દિક પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કંકોતરી આપી દીધી છે ત્યારે આ નવા નિયમથી પ્રૉબ્લેમ ક્રીએટ થયો છે. અમારી ફૅમિલીમાં જ ૫૦ જેટલી વ્યક્તિઓ છે તો કોને ના પાડવી એ અમારા માટે પ્રૉબ્લેમ થયો છે. લગ્ન માટે બધું ગોઠવાઈ ગયું અને આ નવો નિયમ આવ્યો. લગ્નમાં ખાલી રસોડું હોય એ કેટરર્સવાળાના જ ૪૦ જેટલા માણસો આવે તો હવે બોલો, બીજા ૬૦માં કોને સમાવવા? કન્યા પક્ષ અને વર પક્ષવાળાને કેવી રીતે મૅનેજ કરવા? અમારા જમાઈ લગ્ન માટે જર્મનીથી અહીં આવ્યાં છે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સરકાર કોઈ એક નિર્ણય રાખે જેથી કોઈ મુશ્કેલી ન સર્જાય.’

વેડિંગ-ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા સાત્ત્વિક ઇવેન્ટના સચિન પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લગ્નપ્રસંગમાં ૨૦૦માંથી ૧૦૦ વ્યક્તિનો નિયમ થતાં ઘણું નુકસાન વેઠવાનો વારો આવશે. લગ્નગીત અને કેટરિંગ સહિતની બાબતોમાં કાપ આવતાં નુકસાન થશે. ઘોડાગાડી-બગીગાડી સહિતના ઑર્ડર કૅન્સલ કરવા પડ્યા છે. અમારા ક્લાયન્ટ ટેન્શનમાં મુકાઈ ગયા છે, તો ઘણાને એમ કહીને ના પાડી છે કે તમને પછીથી જ્યારે રિસેપ્શન યોજાશે ત્યારે બોલાવીશું.’

gujarat ahmedabad coronavirus covid19 lockdown shailesh nayak