પહેલી વાર યોજાયેલી પક્ષીગણતરીમાં કચ્છમાં જોવા મળ્યાં 5 લાખ ફ્લૅમિંગો

16 February, 2020 08:11 AM IST  |  Ahmedabad

પહેલી વાર યોજાયેલી પક્ષીગણતરીમાં કચ્છમાં જોવા મળ્યાં 5 લાખ ફ્લૅમિંગો

ફ્લૅમિંગો

ગુજરાતના કચ્છમાં પહેલી વાર યોજાયેલી પક્ષીગણતરીમાં ફ્લૅમિંગોનાં ૩,૦૦,૦૦૦થી વધુ બચ્ચાંઓ જોવા મળ્યાં છે. એટલું જ નહીં, આ ગણતરી દરમ્યાન કચ્છના મોટા રણમાં ૪,૮૫,૦૦૦ પક્ષીઓ અને નાના રણમાં ૪,૦૦,૦૦૦ પક્ષીઓ નોંધાયાં છે.

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા સૌપ્રથમ વાર કચ્છના મોટા અને નાના રણમાં પક્ષીવિદોની મદદથી પક્ષીગણતરી હાથ ધરાઈ હતી જેમાં કચ્છના મોટા રણમાં ૪,૮૫,૦૦૦થી વધુ અને નાના રણમાં ૪,૦૦,૦૦૦થી વધુ પક્ષીઓ જોવા મળ્યાં હતાં. કચ્છના મોટા રણમાં રાજ્યપક્ષી જાહેર થયેલાં ફ્લૅમિંગોની મોટી વસાહત વિકસી હતી. પક્ષીગણતરીમાં કચ્છના મોટા અને નાના રણમાં ૫,૫૦,૦૦૦થી વધુ ફ્લૅમિંગો નોંધાયાં હતાં જેમાં ૩,૦૦,૦૦૦થી વધુ બચ્ચાંઓનો સમાવેશ થાય છે. આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના વૈજ્ઞાનિક દ્વારા સૌપ્રથમ વાર કચ્છના મોટા રણમાં ૬ ફ્લૅમિંગો પક્ષીઓમાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણો બેસાડી આ પક્ષીઓની દૈનિક અવરજવરની નોંધ રાખવામાં આવે છે.

ગુજરાતના વન વિભાગ દ્વારા દર બે વર્ષે એક વાર વિશ્વપ્રસિદ્ધ નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્યમાં પક્ષીગણતરી યોજવામાં આવે છે. આ વખતે યોજાયેલી પક્ષીગણતરીમાં નળ સરોવરમાં ૧૩૧ પ્રજાતિઓનાં ૩,૧૫,૦૦૦થી વધુ પક્ષીઓ નોંધાયાં હતાં જે અત્યાર સુધી યોજાયેલી પક્ષીગણતરીઓમાં સૌથી વધુ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં નળ સરોવરમાં યોજાયેલી પક્ષીગણતરીમાં ૧૨૨ પ્રજાતિનાં ૧,૪૩,૦૦૦થી વધુ પક્ષીઓ નોંધાયાં હતાં. આ વખતે થોળ અભયારણ્યમાં ૮૭ પ્રજાતિઓનાં ૫૭,૦૦૦થી વધુ પક્ષીઓ નોંધાયાં છે.

નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્યમાં વન વિભાગના કર્મચારીઓ ઉપરાંત પક્ષીવિદો મળીને ૧૫૦થી વધુ લોકોએ પક્ષીગણતરીમાં ભાગ લીધો હતો.

gujarat ahmedabad kutch