ગુજરાતમાં માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનારા પાસેથી 500 રૂપિયાનો દંડ

29 July, 2020 11:22 AM IST  |  Gandhinagar | Agencies

ગુજરાતમાં માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનારા પાસેથી 500 રૂપિયાનો દંડ

પ્રતીકાત્મક તસવીર

કોરોનાનું સંકટ વધી રહ્યું છે ત્યારે સરકાર તરફથી માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જાહેરમાં માસ્ક નહીં પહેરતા લોકો માટે સરકારે ૨૦૦ રૂપિયા દંડ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે અમદાવાદ અને સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી આ રકમ વધારીને ૫૦૦ રૂપિયા કરવામાં આવી છે. હવે સરકાર તરફથી આખા ગુજરાતમાં માસ્ક ન પહેરવાના દંડની રકમ વધારીને ૫૦૦ રૂપિયા કરવામાં આવી છે. આ નિયમ પહેલી ઑગસ્ટથી આખા ગુજરાતમાં લાગુ પડશે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી ૧ ઑગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો તેમ જ જાહેરમાં થૂંકનાર વ્યક્તિઓને ૫૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ આ દંડની રકમ રૂપિયા ૨૦૦ છે, આ રકમ પહેલી ઑગષ્ટથી ૫૦૦ રૂપિયા કરવામાં આવશે. આ સાથે જ રાજ્યના લોકોને સરળતાથી માસ્ક મળી રહે તે માટે અમૂલના પાર્લર પરથી બે રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્કનું વેચાણ કરવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલાં પણ અમૂલ પાર્લર પરથી લોકો એન-૯૫ અને સર્જિકલ માસ્ક ઓછી કિંમતે મેળવી શકતા હતા.

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. સરકારની અનેક અપીલ છતાં લોકો જાહેરમાં નીકળતી વખતે માસ્ક નથી પહેરી રહ્યા. આથી જ સરકારે હવે દંડની રકમ વધારવાની ફરજ પડી છે. સરકારે બહાર નીકળવાની તેમ જ ધંધા રોજગાર શરૂ કરવાની છૂટ આપી દીધા બાદ લોકો એવી રીતે વર્તન કરી રહ્યા છે કે જાણે રાજ્યમાંથી કોરોના ભાગી ગયો છે. ગત અઠવાડિયે ગુજરાત હાઈ કોર્ટ તરફથી સરકારને માસ્ક બાબતે ટકોર કરવામાં આવી હતી.

gujarat ahmedabad gandhinagar coronavirus covid19