સોમનાથ મંદિરમાં આઠમી જૂનથી દર્શ‌ન થઈ શકશે

04 June, 2020 11:20 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

સોમનાથ મંદિરમાં આઠમી જૂનથી દર્શ‌ન થઈ શકશે

સોમનાથ મંદિર

કોરોનાની મહામારીમાં બંધ થઇ ગયેલા ગુજરાતના વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામો અને શક્તિપીઠના દ્વાર ભાવિકો માટે ૭૭ દિવસ પછી ખૂલવા જઇ રહ્યાં છે. આગામી આઠમી જૂનથી ભાવિકો સોમનાથ, અંબાજી, રણછોડરાયજીના દર્શન નીજ મંદિરમાં જઇ કરી શકશે. જો કે પાવાગઢ સ્થિત વિશ્વ વિખ્યાત મહાકાળી માતાજીનું મંદિર હમણાં દર્શન માટે ખૂલશે નહીં, જ્યારે સલામતીના ભાગરૂપે સોમનાથ મંદિરમાં યોજાતી ત્રણ આરતીમાં ભાવિકો ભાગ નહી લઇ શકે.

ગુજરાતના વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મંદિર અગામી આઠમી જુનથી ભાવિકો માટે ખૂલશે તેવી જાહેરાત કરીને શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાવીસમી માર્ચથી સોમનાથ મંદિર બંધ છે.પરંતુ સરકારની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આઠમી જૂનથી દર્શન માટે ખોલવામાં આવશે. સોમનાથ મંદિરમાં આરતીમાં વધુ ભીડ થાય છે જેથી પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને એક મહિના સુધી આરતી દરમ્યાન મંદિરમાં ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાશે. સોમનાથ મંદિરમાં રોજ ત્રણ આરતી થાય છે. મંદિર દર્શન માટે ખુલ્લુ મુકાયા બાદ મંદિરની અંદર માત્ર ૨૦ ભાવિકો સોશ્યલ ડીસ્ટન્સ સાથે દર્શન માટે ઉભા રહી શકે તેમજ મંદિર પરિસરમાં ૧૦૦ ભાવિકો ઉભા રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. દર્શનાર્થીઓ મંદિરમાં આવશે ત્યારે તેઓના ટેમ્પરેચરની તપાસ થશે. સેનેટાઇઝ ટનલમાંથી પસાર થવુ પડશે અને માસ્ક ફરજિયાત પહેરવાનો રહેશે.સોશ્યલ ડીસ્ટન્સ રાખવા માટે માર્કિંગ કરેલી જગ્યામાં જ ભાવિકોએ ઉભા રહેવુ પડશે.’

સોમનાથ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરી મર્યાદિત કરવામાં આવ્યો છે અને સવારે ૭-૩૦થી ૧૧-૩૦ સુધી તેમજ બપોરે ૧૨-૩૦થી સાંજે ૬-૩૦ સુધી ભાવિકો મંદિરમાં દર્શન કરી શકશે. સોમનાથ મંદિર ઉપરાંત ભાલકા તીર્થ મંદિર, રામ મંદિર, અહલ્યાબાઇ મંદિર, ભીડીયા મંદિર, ગીતા મંદિર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરના વહીવટદાર એસ.જે.ચાવડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંદિર ખોલવા માટે અમે તૈયારીઓ કરી લીધી છે અને રાજ્ય સરકારની સૂચના પ્રમાણે આગળ વધીશું. આઠમી જૂનથી અંબાજી મંદિર દર્શન માટે ખૂલશે.’

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરના મેનેજર રવિન્દ્ર ઉપાધ્યાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં મંદિરમાં સાફ સફાઇ થઇ છે અને ગાઇડલાઇનના આધારે મંદિર ખોલવા માટે પ્લાનિંગ કરીશું. મંદિર ખૂલશે ખરું પણ અમે ગાઇડલાઇનની રાહ જોઇ રહ્યાં છીએ.’

પાવાગઢ પર આવેલુ વિશ્વ વિખ્યાત મહાકાળી મંદિર આઠમી જૂને ખુલશે નહી.શ્રી કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી રાજુ ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાવાગઢ મંદિર ખાતે મંદિરના પુનઃનિર્માણ – નવનિર્માણ તેમજ યાત્રાળુઓ માટેના નવા પગથિયાં તેમજ અન્ય બાંધકામનાં કામો ચાલુ હોવાથી યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને ૨૦ જૂન સુધી મંદિરના દ્વાર યાત્રાળુઓ માટે બંધ રહેશે.’

gujarat ahmedabad shailesh nayak coronavirus covid19 lockdown