કોરોના વાઈરસને હરાવીને તરુલતાબહેનને બર્થ-ડેના દિવસે મળ્યું નવજીવન

02 June, 2020 07:45 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

કોરોના વાઈરસને હરાવીને તરુલતાબહેનને બર્થ-ડેના દિવસે મળ્યું નવજીવન

કેક કટિંગ કરીને બર્થ-ડેની ઉજવણી કરતાં તરુલતા ભીલ અને સિવિલ હૉસ્પિટલનો સ્ટાફ.

કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ગઈ કાલે સરાહનીય ઘટના બની હતી જેમાં જન્મદિને જ કોરોનાનાં મહિલા દર્દી સાજાં થઈને મુક્ત થયાં હતાં અને હૉસ્પિટલ-તંત્રને તેમના જન્મદિનની ખબર પડતાં હૉસ્પિટલના સ્ટાફે તેમનો બર્થ-ડે ઊજવી સરપ્રાઇઝ આપી હતી. મહિલા દર્દી સ્ટાફની હાજરીમાં કેક કટિંગ કરી ખુશી વ્યક્ત કરીને હૉસ્પિટલમાંથી ઘરે પાછાં ફર્યાં હતાં.

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતાં તરુલતા ભીલને કોરોનાની સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં. ૨૪ દિવસની સારવાર બાદ તેઓ સાજાં થતાં ગઈ કાલે તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોગાનુજોગ ગઈ કાલે તરુલતાબહેનનો જન્મદિવસ હતો. કોરોનામાંથી સ્વસ્થ થઈ જન્મદિને જ સાજાં થઈને ઘરે જવા મળતાં તરુલતા ભીલ ખુશ થઈ ગયાં હતાં. બીજી તરફ તરુલતાબહેના જન્મદિન વિશે હૉસ્પિટલ-તંત્રને ખબર પડતાં તંત્રએ તેમને સરપ્રાઇઝ આપી હતી. હૉસ્પિટલ-તંત્ર કેક લાવ્યું હતું અને ડૉકટર, નર્સ તેમ જ અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં તરુલતાબહેને કેક કટિંગ કરીને જન્મદિનની ઉજવણી કરી હતી.

તરુલતાબહેને ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે ‘ડૉક્ટર અને નર્સ સહિતના સ્ટાફની દર્દી પ્રત્યેની નિષ્ઠાને હું બિરદાવું છું. તેઓ દર્દીઓની કાળજી રાખે છે એ મેં અનુભવ્યું છે. સ્ટાફે મારો જન્મદિન ઊજવ્યો એની મને ખુશી થઈ.’

કોવિડ-19 સિવિલ હૉસ્પિટલના નોડલ ઑફિસર ડૉ. કાર્તિકેય પરમારે કહ્યું કે ‘તરુલતા ભીલને તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ હતી અને તેઓ હૉસ્પિટલમાં ઍડ્મિટ થયાં હતાં. ત્યાર બાદ ગંભીર લક્ષણ જણાઈ આવતાં તેમને આઇસીયુમાં દાખલ કરાયાં હતાં. તેમનાં ફેફસાંમાં સોજાનું પ્રમાણ એટલે કે આઇએલ6નું પ્રમાણ એકાએક વધી જતાં તેમને ટોસિલીઝુમેબ ઇન્જેક્શન આપ્યું હતું. ત્યાર બાદ તેમની સ્થિતિ સામાન્ય થઈ હતી. છેલ્લા ૭–૮ દિવસથી કોઈ પણ લક્ષણ નહીં જણાતાં તેમને રજા આપવામાં આવી છે.’

મારા ૪૬મા જન્મદિને મને જાણે નવજીવન મળ્યું છે. હૉસ્પિટલમાં ૨૪ દિવસની સારવાર બાદ સાજી થઈ છું. હૉસ્પિટલના ડૉક્ટરની મહેનત અને ભગવાનની કૃપાથી જાણે આજે મારો પુનર્જન્મ થયો છે.

- તરુલતા ભીલ

gujarat ahmedabad coronavirus covid19 shailesh nayak