બાબુભાઈ ઉર્ફે અહમદ પટેલ અચ્છા બૅટ્સમૅન અને ગઝલ પ્રિય હતા

26 November, 2020 12:07 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

બાબુભાઈ ઉર્ફે અહમદ પટેલ અચ્છા બૅટ્સમૅન અને ગઝલ પ્રિય હતા

અહમદ પટેલ

કૉન્ગ્રેસના અગ્રણી અહમદ પટેલનું અવસાન થયું છે. તેમના અવસાનથી ગુજરાત સહિત દેશભરમાં શોક છવાઈ ગયો છે. ગુજરાતના આ કુશળ રાજનીતિજ્ઞ અને સાલસ વ્યક્તિત્વ ધરાવતા અહમદ પટેલ રાજકારણી હતા એ સૌકોઈ જાણે છે, પરંતુ તેઓ અચ્છા ક્રિકેટર હતા અને રાઇટી બૅટ્સમૅન હતા એ કદાચ બધાને ખબર નહીં હોય. સેવાભાવી, લાગણીશીલ અને કર્મઠ વ્યક્તિ એવા અહમદ પટેલના જીવનની જાણી-અજાણી વાતોને ‘મિડ-ડે’ સાથે વાગોળતાં તેમની સાથે છેલ્લાં ૩૨ વર્ષોથી સંકળાયેલા અને ભરૂચ જિલ્લા કૉન્ગ્રેસના પ્રવક્તા નાઝુ ફડવાલાએ કહ્યું હતું કે ‘અહમદભાઈ ક્રિકેટ, વૉલીબૉલ અને ટેબલ ટેનિસ રમતા હતા. એમાં ક્રિકેટ તેમની મનપસંદ રમત હતી. કૉલેજની ક્રિકેટ ટીમમાં તેઓ કૅપ્ટન હતા. તેઓ રાઇટી બૅટ્સમૅન હતા અને બોલિંગ પણ કરતા હતા. તેઓ ગઝલના પણ શોખીન હતા. જૂનાં ફિલ્મી-ગીતો તેમ જ ગઝલ સાંભળતાં હતાં અને કેટલીક વખત અમે એ પણ જોયું કે તેઓ જૂનાં ગીતો વાગતાં હોય તો એ સાથે-સાથે તેઓ પણ એ ગીત ગાતાં હતાં.’

અહમદ પટેલને તેમનાં મમ્મી–પપ્પા પ્યારથી બાબુ કહીને બોલાવતા હતા. તેમની વાત કરતાં તેઓએ કહ્યું હતું કે ‘અહમદ પટેલ એક માત્ર દીકરો હોવાથી તેમનાં મમ્મી–પપ્પા તેમ જ ફૅમિલીના સભ્યો પ્યારથી તેમને બાબુના હુલામણા નામથી બોલાવતા હતા. તેમને ચાર બહેનો હતી. અંકલેશ્વરમાં ક્રિકેટ રમતા.’

ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ અહમદ પટેલ સાથેનાં સંસ્મરણો યાદ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૨માં કૉન્ગ્રેસની સરકાર હતી ત્યારે અહમદભાઈએ નર્મદાના મુદ્દે પુનર્વસનની કામગીરીના મુદ્દે વ્યક્તિગત રીતે એ સમયના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને મળીને પુનર્વસનની કામગીરીને રેગ્યુલેટ કરવા કી-રોલ ભજવ્યો હતો. એ સમયે અહમદ પટેલે કહ્યું હતું કે ‘નર્મદા એ ગુજરાતની લાઇફ લાઇન છે. પીવાના પાણીની મોટી સમસ્યા છે, ખેડૂતો માટે સિંચાઈનું પાણી જરૂરી છે.’

તેમની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો અહમદ પટેલ ૧૯૭૬માં ભરૂચમાં તાલુકા પંચાયતના સભ્ય બન્યા હતા. ૧૯૭૭માં ૨૬ વર્ષની નાની વયે તેઓ સંસદસભ્ય બન્યા હતા. ૧૯૮૫માં દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ બન્યા હતા. ૧૯૮૬માં ગુજરાત કૉન્ગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. ૧૯૯૧માં કૉન્ગ્રેસની વર્કિંગ કમિટીમાં સ્થાન મળ્યું હતું. ૨૦૦૦માં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યા હતા.

અહમદ પટેલની અંતિમ વિધિ આજે તેમના ગામ પિરામણમાં થશે

કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલનું અવસાન થયું છે. સદ્ગતની અંતિમ વિધિ – દફન વિધિ આજે સવારે ૧૦ વાગ્યે તેમના ગામ પિરામણમાં થશે. કોરોના ગાઇડલાઇન પ્રમાણે તેમની દફન વિધિ થશે.

gujarat ahmedabad shailesh nayak Gujarat Congress